ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના જીઆઈડીસીના નાકે ગરમ કપડાંન સ્ટોલોમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જો કે સ્ટોલ અંદર સુતેલા સ્ટોલ ધારકો સમયસર બહાર નીકળી જતા સદનસીબે જાનહાની ટળી હતી. આગની આ ઘટનામાં સાત સ્ટોલ ઝપટમાં આવી જતા ગરમ કપડાનો લાખોનો માલ બળીને ખાખ થઈ ગયો હતો જોકે ફાયરબ્રિગેડ ટીમની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે જીઆઈડીસીના નાકે કેટલાક બહારના લોકો ગરમ કપડાંના તંબુ એટલે સ્ટોલ નાખીને ગરમ કપડાનું વેચાણ કરે છે. આ સ્ટોલ ધારકો ગતરાત્રે પોતાના તંબુ એટલે સ્ટોલની અંદર સુતા હતા ત્યારે દોઢ વાગ્યના અરસામાં આ ગરમ કપડાંના સ્ટોલમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગતા જ સ્ટોલ અંદર સુતેલા તમામ લોકો ઝડપથી બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. આગની જાણ થતાં મોરબી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝવવા માટે ભારે પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સાત જેટલા સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા અને આ સ્ટોલોમાં રહેલા તમામ ગરમ કપડાંનો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ એટલી ભયાનક હતી કે ફાયરબ્રિગેડ સ્ટાફની મહામહેનતના અંતે રાત્રે દોઢ વાગ્યે લાગેલી આગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ કાબુમાં આવી હતી જો કે આ આગના બનાવનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.