દીકરી સમાન વિદ્યાર્થિની પાસે અભદ્ર માગ કરતાં શિક્ષણ જગત શર્મસાર
બાયોલોજીના પ્રોફેસર ડૉ. સંજય તેરૈયાએ ઇન્ટરનલના વધુ માર્ક્સની લાલચ આપી અભદ્ર માગ કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. રાજકોટનાં કાલાવાડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓ સુરક્ષિત નથી. અત્યાર સુધી તો અનેક એવી ઘટના સામે આવતી હતી કે, સાથે કામ કરતી મહિલાઓ પાસે સહકર્મીઓ બિભત્સ માગ કરતા હતા. જ્યારે હવે વિદ્યાના ધામમાં પિતાની ઉંમરનાં પ્રોફેસરે દીકરી સમાન વિદ્યાર્થિની પાસે પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાનાં બદલામાં અભદ્ર માંગણી કર્યાની ઘટના સામે આવતાં શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો છે. વીરબાઈમા મહિલા સાયન્સ કોલેજના પ્રોફેસર સંજય તેરૈયાએ પરીક્ષામાં માર્કસ આપવાના બહાને બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો છે. 3 મહિના પહેલાની આ ઘટનામાં મોડે મોડે તપાસ શરૂ કરવામાં આવી છે. એક તપાસ કમિટી રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ કોલેજના પ્રિન્સિપાલ ગણાત્રાએ જણાવ્યું હતું. જો કે આઘાતજનક બાબત એ છે કે, બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ કરી ન હતી.
તપાસ કમિટીમાં 4 સભ્યોની નિમણૂંક કરાઈ
વીરબાઈમા કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગની ઘટનામાં 4 સભ્યોનો તપાસ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તપાસ કમિટીના અધ્યક્ષ તરીકે હિનાબેન ભડાણીયાની નિમણુંક થઈ છે તેમની સાથે ડૉ.જયશ્રી રાણપરા,ડૉ. ભાવનાબેન ખોયાણી અને ડૉ.એ.પી. ગોસ્વામીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- Advertisement -
પ્રિન્સિપાલ ગણાત્રાની પુત્રી સાથે પણ આવી ઘટના ઘટી હોત તો…?
મહિલા કોલેજમાં બે વિદ્યાર્થિની સાથે અઘટિત ઘટના બની હોવા અંગેની અરજી ઓગસ્ટમાં થઈ કે સપ્ટેમ્બરમાં તેની પણ આ કોલેજનાં પ્રિન્સિપાલ કલ્પેશ ગણાત્રાને જાણ નથી. તેઓએ અંદાજે ત્રણેક મહિનાનો સમય થયો હોવાનું મીડિયા સમક્ષ કહ્યું હતું. આ ઘટનામાં તપાસ કમિટી અરજી થયાના દોઢ મહિના બાદ રચાઈ હતી. આ કમિટીએ છેલ્લા 45 દિવસ શું કર્યું? તે અંગે પણ ગણાત્રાને કોઈ જાણકારી નથી અને રિપોર્ટ આવતા હજુ એક સપ્તાહનો સમય લાગશે તેમ કહીને સમગ્ર ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિષ કરી હતી. વિદ્યાર્થિનીની સાથે કોલેજ કેમ્પસની અંદર કોઈ અઘટિત ઘટના બને ત્યારે તે વિદ્યાર્થિનીને પોતાની પુત્રી સમાન ગણીને જવાબદાર સામે પગલાં લેવાને બદલે ત્રણ મહિનાથી વીરબાઈમા કોલેજમાં તપાસના નામે નાટક ચાલી રહ્યું છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે, શું પ્રિન્સિપાલ કલ્પેશ ગણાત્રાની દીકરી સાથે પણ જો કોઈ પ્રોફેસરે વધુ માર્ક્સ આપવાની લાલચમાં અભદ્ર માંગણી કરી હોત તો તેઓ અરજી દબાવી દેતાં કે તપાસનું નાટક કરતાં ખરા?
લંપટ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પ્રિન્સિપાલ સહીતનાં બંનેને બરતરફ કરવા માંગ
3 મહિના પહેલાંની આ ઘટનામાં હવે તપાસ કમિટી બનાવવામાં આવી, પ્રિન્સિપાલે અરજી દબાવી રાખી
અરજી થયા બાદ લગભગ દોઢ મહિના સુધી કોઇ જ કાર્યવાહી થઈ ન હતી. આથી બંને વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત પોતાની સાથે થયેલી ઘટના અંગે જવાબદાર પ્રોફેસર તેરૈયા સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. પ્રિન્સિપાલ કલ્પેશ ગણાત્રાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બે અલગ અલગ વિદ્યાર્થિનીએ અરજી કરી છે. બંનેએ સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેની તપાસ ચાલુ છે. વિદ્યાર્થિનીઓ સાથે શું બન્યું? તે અંગે પ્રિન્સિપાલે કહ્યું કે, હાલના તબક્કે જણાવવું યોગ્ય નથી. પરંતુ તપાસ કમિટી રિપોર્ટ આપશે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.
પ્રિન્સિપાલ પણ એટલા જ ગુનેગાર: કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત
રાજકોટની વીરબાઈ માં કોલેજમાં બે વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં માર્ક્સ વધુ આપવાની લાલચે કોલેજના જ એક પ્રોફેસર તરૈયાએ વિદ્યાર્થીનીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાનાં કિસ્સામાં ખુદ પ્રિન્સિપાલ જ આરોપીને મદદ કરવાનુ કામ કર્યું છે. જ્યાં સુધી આ અંગે તપાસ સમિતિનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી પ્રોફેસર અને પ્રિન્સિપાલને કોલેજે ના આવવા દેવામાં આવે જેથી તપાસ પારદર્શક થાય. પ્રાથમિક બાબતોને ધ્યાનમાં લેતા આ મામલે આરોપીઓમાં પ્રોફસરની સાથે પ્રન્સિપાલ પણ એટલા જ ગુનેગાર છે જેથી બંનેને નોકરીમાંથી બરતરફ કરી તેઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તમામ કોલેજોમાં એન્ટી સેક્સયુલ હેરેસમેન્ટ કમિટી હોય જ પરંતુ તે માત્ર કહેવા પૂરતી જ હોય છે તે ભૂતકાળથી માંડી અત્યાર સુધીના અનેક કિસ્સાઓમાં કોલેજ કક્ષાની જે કમિટી હોય તે ભોગ બનનારને ન્યાય અપાવવાના બદલે આરોપીને છાવરાવવાનું કામ કરતી હોય છે તેમજ આવા મામલે ફરિયાદ બાદ બંને પક્ષે સમાધાન કરી લેવામાં આવતા હોવાથી સ્કૂલો-કોલેજોમાં યૌનશોષણ, સતામણી કેસો બહાર આવતા નથી તે અંગે રાજ્યસરકારના મહિલા આયોગે પણ તમામ સ્કૂલ-કોલેજોમાં અવેર્નેસના કાર્યક્રમોની સાથે સ્થાનિક જિલ્લા તંત્રએ ઇન્સ્પેક્શન કરવું જોઈએ જેથી છાશવારે આવતા બનાવો અટકાવી શકાય તેવું રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.