ખાસ-ખબર સંવાદદાતા
ખાનગી વાહન ચાલકોને ખટાવવા જાણે એસટી વિભાગે તમામ નિયમો નેવે મૂકી દીધા હોય તેમ દિન પ્રતિદિન વ્યવસ્થા બગડી રહી છે. અવાર નવાર પીએમ કે સીએમની સભામાં ભીડ ભેગી કરવા બસ મોકલી દેવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ રઝળી પડતા હોય છે તો સામાન્ય દિવસમાં પણ બસ સમયસર સ્ટેશનમાં મુકાતી ન હોય અથવા ખખડધજ બસ રસ્તા વચ્ચે બંધ થતા રૂટ કેન્સલ કરવામાં આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને કાયમી ધોરણે હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.
- Advertisement -
શુક્રવારે પણ મોરબી એસટી ડેપોના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રૂટ સમયસર મુકાયા ન હતા જેના કારણે વિદ્યાર્થીઓ રઝળી પડતા રોષે ભરાયા હતા અને એસટી બસ સ્ટેશનમાં જ ચક્કાજામ કર્યો હતો અને તમામ રૂટની બસ એક જગ્યાએ ઉભી રાખવી સૂત્રોચ્ચાર કર્યો હતો અને જ્યાં સુધી બસ નિયમિત નહીં કરવામાં આવે ત્યાં સુધી નહીં ખસવાની વિદ્યાર્થીઓએ જીદ પકડી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા જો કે જીદે ભરાયેલ છાત્રોએ જ્યાં સુધી એસટી વિભાગના અધિકારી સંતોષકારક જવાબ નહીં આપે ત્યાં સુધી દૂર નહીં ખસે તેવી જીદ પકડતાં એસટી કર્મચારીઓ દોડી ગયા હતા અને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.