ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ રાજ્યના મહત્તમ ખેડૂતો રસાયણયુક્ત કૃષિ છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન મળી રહે તે માટે પૂરતો સહયોગ છે.
પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે માટે જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને દર વર્ષે પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવે છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે અંગે ગ્રામીણ કક્ષાએ નિ:શુલ્ક તાલીમ યોજવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ અન્વયે રાજય સરકાર દ્વારા ક્લસ્ટર આધારિત તાલીમ અભિયાન હેઠળ વર્ષ 2023-24 સુધીમાં જિલ્લમાં પ્રાકૃતિક કૃષિલક્ષી 3,139 ક્લસ્ટર બેઇજ તાલીમો દ્વારા 60,695 ખેડૂતોને તાલીમ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વર્ષ 2024-25 જુલાઈ મહિના સુધીમાં 952 તાલીમ દ્વારા 19,878 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મળી રહે તે માટે જુનાગઢ જિલ્લામાં ક્લસ્ટર બેજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા ખેડૂતોને જમીન તથા પાકના પ્રકારો, આબોહવાકીય વિગતો, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડો જેવી તાલીમ આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયોનું પાલન પોષણ કરી શકે છે.આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતો પણ સાથે રહી પોતાના અનુભવોમાંથી બીજા ખેડૂતોને માર્ગદર્શિત કરે છે, જેથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે સમર્થન મળી રહે અને આ અભિગમ ખેડૂતો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને સામૂહિક પ્રગતિ સુવિધા આપે છે.