કામગીરી શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોએ રસ્તા પર દંડવત્ પ્રણામ વિરોધ નોંધાવ્યો
રાજુલા તાલુકાના ધારેશ્ર્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ-1 માંથી રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી મળી રહ્યું છે. ત્યારે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ધારેશ્ર્વર ગામ નજીક નગરપાલિકાની પાઇપલાઇન કામગીરી દરમિયાન આસપાસ 13 ગામના મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો રસ્તા પર દંડવત પ્રણામ કરી ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો. અને વિરોધ નોંધાવતા પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરીને સાવરકુંડલા પોલીસ ડિવિઝન ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે અટકાયત બાદ પણ ક્યાંકને ક્યાંક ખેડૂતોમા રોષ ભભુકયો હતો. આ સાથે પીઆઈ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય એ છે કે, ધારેશ્ર્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ-1 માંથી રાજુલા- જાફરાબાદ બન્ને નગરપાલિકાને પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે નવી પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ થતાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ પણ 13 ગામના ખેડૂતોએ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જોકે કોઈ નિરાકરણ ન આવતાં અને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ થતાં ભારે રોષ સાથે વિરોધ કર્યો હતો.