ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જગતનો તાત હેરાન
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સરકારની જાહેરાત : 15 સપ્ટેમ્બર સુધી નોંધણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત વર્ષે રાજ્ય સરકારે 8.53 લાખ ખેડૂતો પાસેથી રૂ. 16,223 કરોડના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરી હતી. ત્યારે આ વર્ષે મગફળી, સોયાબીન, મગ અને અળદની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે ત્યારે ખેડૂતો સવારથી રજીસ્ટ્રેશન કરવા લાઈનમાં ઉભા રહ્યાં હતાં પણ ઈ-સમૃધ્ધ પોર્ટલ જ ખુલ્યુ ન હતુ. આ કારણોસર ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ખરીફ 2025-26 માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી,મગ, અળદ અને સોયાબીનની ખરીદી કરવા નક્કી કર્યુ છે જેના ભાગરુપે તા.1લી સપ્ટેમ્બરથી તા.15મી સપ્ટેમ્બર સુધી ઈ સમૃધ્ધ પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા ખેડૂતોને જાણ કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરવા લાઈનોમાં ઉભા રહ્યા હતાં પણ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલી શક્યુ ન હતું તેવી ફરિયાદો ઉઠી હતી. રાજકોટ તાલુકાના ભૂપગઢ સહિત અનેક ગામોના ખેડૂતો હેરાન થયા હતા. આ સમસ્યાને પહોંચી વળવા નાફેડે સર્વર રીસ્ટોરેશનની કામગીરી શરૂ કરી છે. તેમજ સર્વરની ક્ષમતા વધારવા અને તકનીકી ખામીઓ દુર કરવા માટેની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યુ છે. અનેક ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, પરંતુ મૂળભૂત ટેકનિકલ સુવિધાઓ જ પૂરતી ઉપલબ્ધ કરાવી શકતી નથી.
- Advertisement -
ખરીફ પાક માટે ટેકાના ભાવ જાહેર કરાયા
મગફળી માટે રૂ. 7263 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1452 પ્રતિ મણ)
મગ માટે રૂ. 8768 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1753 પ્રતિ મણ),
અડદ માટે રૂ. 7800 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1560 પ્રતિ મણ)
સોયાબીન માટે રૂ. 5328 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1065 પ્રતિ મણ)