એપીએમસી અને ખરીદ સેન્ટરોની સમીક્ષા બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
કમોસમી વરસાદના પગલે એપીએમસી અને ટેકાના ભાવે ખરીદ સેન્ટરોમાં ખરીદ જથ્થાની વ્યવસ્થાની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં તા. 8 મે સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જિલ્લાની તમામ એપીએમસી અને ટેકાના ભાવે ખરીદ સેન્ટરોમાં ખરીદ જથ્થાની વ્યવસ્થા બાબતે એપીએમસી સેક્રેટરી તેમજ સ્ટેટ લેવલ એજન્સી ચણા ખરીદીના પ્રતિનિધિ સાથે ઓનલાઇન બેઠક કરી હતી. આ બેઠકમાં એપીએમસીના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ, હાલની સ્થિતિએ તમામ એપીએમસી ખાતે રહેલ જણસીઓ સલામત સ્થળે સંગ્રહ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતુ.
આ ઉપરાંત વરસાદની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમોસમી વરસાદ અંગે ખેડૂતોને માવઠાની આગાહી મુજબ આજથી તા.8 મે સુધી છૂટા છવાયા વરસાદ અને પવન ફૂકાવાની શક્યતાઓ હોય આ સમય દરમિયાન ખેડૂતોએ જણસ વેચાણ માટે લઈ જવાનું ટાળવું. તેમજ માળિયા, માંગરોળ, ભેસાણ, માણાવદર એપીએમસીના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન એપીએમસી બંધ રહેવાની શક્યતા છે. તેમજ ટેકાના ભાવે ખરીદી પણ બંધ રહેશે જેથી તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, કમોસમી વરસાદના સમયે જણસીઓ યોગ્ય રીતે સંગ્રહ કરી તાડપત્રીથી ઢાંકી સુરક્ષિત કરવી અને વાતાવરણ અનુકૂળ થાય પછી જ તે વેચાણ માટે એપીએમસીએ પુછાણ કરી મોકલવી જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી દ્વારા સૌ ખેડૂતોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવે છે.