7/12 અને 8-અ માટે ઇ-ધરા કચેરીએ સર્વર ડાઉનના કારણે શરૂઆતમાં હાલાકી; તંત્રનો પ્રશ્ર્ન ઉકેલાઈ ગયાનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકારે જાહેર કરેલા વિશેષ સહાય પેકેજ માટે ખેડૂતોમાં અરજી કરવાનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તા. 14મી નવેમ્બરથી શરૂ થયેલી આ અરજી પ્રક્રિયામાં આજદિન સુધીમાં (તા. 20 નવેમ્બર) જિલ્લામાં કુલ 55,213 અરજીઓ જમા થઈ છે, જે કુલ સહાયપાત્ર ખેડૂતોની 50 ટકા કામગીરી પૂર્ણ થયાનું સૂચવે છે. અરજી કરવાની અંતિમ મુદત તા. 28મી નવેમ્બર છે.જોકે, શરૂઆતમાં ખેડૂતોને 7/12 અને 8-અ જેવા દસ્તાવેજો મેળવવા માટે ઇ-ધરા મામલતદાર કચેરીએ સર્વર ડાઉનની સમસ્યાના કારણે બે-ત્રણ દિવસ સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લા ખેતી અધિકારી ડો. હસમુખ ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે, હવે સર્વર ડાઉનનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે અને મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વીસીઈ દ્વારા ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે.જિલ્લામાં નોંધાયેલી કુલ 55,213 અરજીઓમાં મોરબીમાં 16,949, વાંકાનેરમાં 10,752, હળવદમાં 10,536, ટંકારામાં 9,114 અને માળિયા મિયાણામાં 7,862 અરજીઓનો સમાવેશ થાય છે.



