ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાયમાં થયેલા કથિત ભેદભાવ સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સાવડા ગામમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી.
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે 192 અને 193 નોંધ અંતર્ગત પાક નિષ્ફળ સહાયમાં ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી છે. કેટલાક ખેડૂતોને જાણીજોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે આગામી 25 ફેબ્રુઆરીએ બામણવાથી સુરેન્દ્રનગર સુધી ટ્રેક્ટર રેલી યોજવામાં આવશે.
ખેડૂત હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમ રબારીએ જણાવ્યું છે કે તાલુકાના દરેક ગામમાં બેઠકો યોજવામાં આવશે. જ્યાં પણ ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે, ત્યાં બે દિવસમાં સમિતિના આગેવાનો બેઠક યોજશે. તેમણે વહેલી તકે સહાયની રકમ અપાવવાની ખાતરી આપી છે. સાવડા ગામના ખેડૂતોએ બેઠકમાં પોતાની વ્યથા રજૂ કરી હતી. ખેડૂત હિતરક્ષક સમિતિની આ પહેલથી વંચિત ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. સમિતિએ ખેડૂતોના હિતો માટે લડત આપવાની ખાતરી આપી છે.