પાક ધિરાણની લોન માફ કરવા ખેડૂતોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના બાગાયતી પાકને મોટું નુકશાન થયું હતું. જેને લઇ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકશાની અંગે પ્રહેલા સર્વે કામગીરી કરવા આદેશ કર્યો હતો જે બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને પાક નુકશાનીના વળતર માટે દશ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેને લઇ ખેડૂતને એક હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા વળતર આપવાનો નિર્ણય લેવાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર આપવાના નિર્ણયને મૂળી તાલુકાના ખેડૂતોએ નકાર્યો છે ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા સહિતના ખેડૂતોએ સ્પષ્ટપણે પ્રતિ ખેડૂત બે હેક્ટર દીઠ 44 હજાર રૂપિયાનું વળતરનો અસ્વીકાર કરી પાક ધિરાણની (ઈ.ઈ) લોન માફ કરવા માંગ કરી છે. મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત આગેવાન રામકુભાઈ કપરાડા દ્વારા જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે પ્રતિ ખેડૂતોને એક હેક્ટર દીઠ 22 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે જેમાં એક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં વળતર ચૂકવશે એટલે કે એક ખેડૂતને માત્ર 44 હજાર રૂપિયા ચૂકવશે પરંતુ ખેડૂતોને નુકશાની થયેલ પાકના વાવેતરમાં ઓછામાં ઓછા એક વિઘા દીઠ 17થી 20 હજારનો ખર્ચ થયો હતો જેની સામે હેક્ટરે 22 હજાર રૂપિયા આપવાની જાહેરાત માત્ર ખેડૂતોને લોલીપોપ આપવા સમાન છે. જેથી ખરા અર્થે ખેડૂતો માટે સંવેદનશીલતા દાખવતી સરકારે પાક ધિરાણની લોન માફ કરવા માંગ કરી હતી.



