શિક્ષીત પરિવારનાં બંને ભાઈઓએ અન્ય કૃષીકારોને પ્રેરણા આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
સૌરાષ્ટ્ર ગુજરાતની ખેતીમાં મહત્વનો હિસ્સો ધરાવતો વિસ્તાર છે. ખેતીમાંથી વધુ ઉત્પાદન મેળવવા રૂઢીગત ખેતીને બદલે વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવી અનિવાર્ય છે. ખેતીમાં વપરાતા રાસાયણીક ખાતરો દિવસે – દિવસે મોંઘા થવાથી ખેડૂતોને આર્થિક રીતે પરવડતા નથી. રાસાયણિક ખાતરોના અયોગ્ય ઉપયોગથી જમીનને માઠી અસર થઈ છે. આવા સંજોગોમાં રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગની સાથે સાથે સેન્દ્રિય અને જૈવિક ખાતરોના ઉપયોગ કરવો ખુબજ આવશ્યક છે. જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદકતા જાળવવા બધા જ જરૂરી પોષકતત્વો જમીનમાં પ્રમાણસર ઉપલબ્ધ હોવા જરૂરી છે.
માળીયા હાટીના તાલુકાના ગળોદર ગામના ભીખુભાઈ તેમજ તેમના ભાઈઓએ જુદા જુદા ક્ષેત્રમાં સ્નાતક સુધી અભ્યાસ કરેલ છે છતાં આજે તેમના દરેક ભાઈઓ તેમજ પરિવારના સભ્યો આજે પ્રાકૃતિક ખેતીને ઉદ્યોગ સમજી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન મેળવી રહ્યા છે. ભીખુભાઈ શરૂઆતના સમયમાં 2012 દરમિયાન 12 વીઘા જેટલી જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી અને આજે તે 80 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે અને વર્ષ દરમિયાન અંદાજીત 30 લાખ સુધીની આવક મેળવે છે જેના માટે તેમણે જુદી જુદી સંસ્થાઓમાં અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ લીધી હતી.
પ્રાકૃતિક ખેતી અંગે ભીખુભાઈ જણાવે છે કે શરૂઆતમાં જ્યારે તેમણે પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરી હતી ત્યારે તેમણે માત્ર 12 વીઘા જેટલી જમીનમાં મગફળીનુ ઉત્પાદન મેળવ્યું હતું જેમાં સમય સાથે તેમને સારો એવો નફો જોવા મળ્યો હતો અને આજે તે 80 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા જુદા જુદા ઉત્પાદનો મેળવે છે. જેમાં શિયાળા દરમિયાન ઘઉં, ચણા, ધાણા ઉનાળા દરમિયાન બાજરો, મગ, અળદ અને ચોમાસા દરમિયાન મગફળી, હળદર ઉપરાંત બાગાયત ક્ષેત્રમાં ડ્રેગન ફ્રુટ, બોર, જામફળ જેવા જુદા જુદા ફળોનુ વાવેતર કરી ઉત્પાદન મેળવે છે. ચોમાસા દરમિયાન હળદરના ઉત્પાદનમાં ખાસ બ્લુ હળદરનું ઉત્પાદન કરવામાં આવે છે જેનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં ભીખુભાઈ પોતાના ઘરે એક નાના એવો તબેલો પણ વિકસાવ્યો છે, જેમાં દેશી ગાયનો ઉછેર કરવામાં આવે છે જે ગાય ના છાણ અને મૂત્ર દ્વારા જીવામૃત, ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ કરે છે. ઉપરાંત સમયાંતરે ભીખુભાઈ આદુ-ગોળ, દૂધ-ગોળ વગેરે નો ઉપયોગ કરી ખેત ઉત્પાદનને જુદી જુદી જીવાત થી રક્ષણ મેળવે છે અને પાકનું રક્ષણ કરે છે.