અનેક રજૂઆત છતાં પણ ખેડૂતોના વળતર મુદ્દે સકારાત્મક સમાધાન નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર નહિ આપવા મુદ્દે અનેક ખેડૂતો દ્વારા કામોની સામે વિરોધ નોંધાવી કંપનીની કામગીરી થંભાવી છે. ખેડૂતોની માંગ માત્ર એટલી જ છે કે મોરબી જિલ્લામાં જે પ્રકારે ખેડૂતોને વળતર મળ્યું તે પ્રકારે ધ્રાંગધ્રા પંથકમાં પણ વળતર મળવું જોઈએ એટલે કે કંપની દ્વારા ખેડૂતો સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવવી જોઈએ નહીં જે મુદ્દે છેલ્લાં ચારેક મહિનાથી ખેડૂતો સતત કંપની સામે વિરોધ નોંધાવતા છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ખેડૂતોના આ પ્રશ્નનું કોઈ સકારાત્મક સમાધાન થયું નથી જેને લઇ ગુરુવારે બપોરના સમયે ફરી એક વખત ધ્રાંગધ્રા પંથકના કંકાવટી, ઘનશ્યામગઢ, ઈશદ્રા, વાવડી, દુદાપર સહિત ગામના ખેડૂતો પ્રાંત અધિકારીને રજૂઆત માટે ગયા હતા જ્યાં ખેડુતોએ વળતર મુદ્દે રજૂઆત કરી હતી પરંતુ પ્રાંત અધિકારી દ્વારા પોતાના હાથમાં મામલો નહીં હોવાથી જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય નિર્ણય આપવાની હૈયા ધારણા આપતા આધા લઈને આવેલા ખેડૂતોને ઉદાસ થઈ પરત ફરવું પડ્યું હતું. ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકશાન કરી કંપની દ્વારા કરવામાં આવતી દાદાગીરી સામે સતત લડત આપતા ખેડૂતોના પ્રશ્નનું સકારાત્મક સમાધાન થાય તેવી માંગ તમામ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.



