અધિકારીઓના પાપે ખેડૂતોના પાક સુકાયા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદના ગોલાસણ પાસે આવેલો હરપાલ સાગર ડેમ વર્ષોથી ખેડૂતોને પીયત માટે પાણી આપે છે પરંતુ આ વર્ષે અધિકારીઓના પાપે ખેડૂતોના ઉભા પાક સુકાય તો નવાઈ નહીં અને હવે પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો મેદાને ઉતર્યા છે. સરકાર દ્વારા નર્મદા વિભાગને એક મહિના પહેલા ખેડૂતોને પીયત માટે પાણી આપવા અને ડેમ ભરી દેવા સૂચના આપવામાં આવી હતી પરંતુ અધિકારીઓની આળસના કારણે ડેમ ન ભરાતા ખેડૂતોનો મહામુલો પાક સુકાઇ રહ્યો છે જેને લઇને હળવદના 22 ગામના ખેડૂતોએ પિયતના પાણી માટે હોબાળો કર્યો હતો અને જો પિયત માટે પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
- Advertisement -
હળવદના ગોલાસણ પાસે આવેલા હરપાલ સાગર ડેમમાંથી વર્ષોથી ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે પરંતુ આ વખતે અધિકારીઓની આળસના કારણે ખેડૂતોને પિયત માટે પાણી મળી શક્યું નથી. સરકારે નર્મદા વિભાગને એક મહિના પહેલા ખેડૂતોને પિયત માટે પાણી આપવા અને ડેમ ભરવા માટે સૂચના આપી હતી જોકે અધિકારીઓ સરકારની સૂચનાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સરકારની સૂચના છતાં ડેમ ભરવામાં આવ્યો નથી કે ખેડૂતોને પિયત માટે પાણી પણ આપવામાં આવ્યું નથી અને હાલ હરપાલ સાગર ડેમ અડધો ભર્યો હોવા છતાં ખેડૂતોને પિયત માટે પાણી ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી પ્રસરી છે જેથી કરીને હવે હળવદના 22 ગામના ખેડૂતો પિયતના પાણી માટે આકરા પાણીએ થયા છે. મેરૂપર, ગોલાસણ, માનસર, કેદારિયા, પાંડાતીરથ, દેવળિયા, કડિયાણા, સુંદરગઢ, રણજીતગઢ, ધનાળા સહિતના 22 ગામોના ખેડૂતોએ આશરે 5 હજાર હેક્ટરથી વધારે જમીનમાં હરપાલ સાગર ડેમમાંથી પાણી આપવાની માંગ કરી છે અને જો પિયત માટે પાણી નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.