સોરઠ પંથકમાં ખેડૂતોનો રોષ મફત નહીં, સમયસર ખાતર આપો
હજુ ખેડૂતોને સહાય મળી નથી એવા સમયે રોકડની તીવ્ર અછત
ઘઉં, ચણા, ધાણા અને જીરું જેવા પાકો માટે ખેતરો તૈયાર પણ ખાતર નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
સૌરાષ્ટ્રનું કૃષિ હબ ગણાતા જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હાલ ’સુડી વચ્ચે સોપારી’ જેવી કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. કુદરતનો કહેર અને તંત્રની બેદરકારીના બેવડા માર વચ્ચે ધરતીપુત્ર પીસાઈ રહ્યો છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પાછોતરા માવઠા અને વાતાવરણના સતત પલટાને કારણે મગફળી અને સોયાબીન સહિતનો ચોમાસુ પાક લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. અનેક ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યો હતો, જેના કારણે રવિ પાક એટલે કે શિયાળુ વાવેતર પર તમામ આશાઓ ટકેલી હતી.
પરંતુ કમનસીબે, શિયાળુ વાવેતરની શરૂઆત થતાં જ ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, ધાણા અને જીરું જેવા પાકો માટે ખેતરો તૈયાર હોવા છતાં, વાવેતર સમયે જ પાયાના ખાતર ડીએપી અને એનપીકેની તીવ્ર અછત ઊભી થઈ છે. આ ખાતરો પાકના મૂળના વિકાસ માટે અનિવાર્ય હોવાથી, સમયસર ખાતર ન મળતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ખેડૂતો સવારથી જ ખાતર મેળવવા માટે મંડળીઓની બહાર ઊભા રહેવા મજબૂર બન્યા છે, પરંતુ નિરાશા સિવાય તેમના હાથમાં કશું આવતું નથી.
ખાતરની અછતને કારણે વાવેતરનો યોગ્ય સમય વીતી રહ્યો છે. અનેક ખેડૂતોએ મજબૂરીવશ અન્ય વિકલ્પો શોધવા પડ્યા છે, જેમાં કેટલાક ખેડૂતો બજારમાં મળતા હલકી ગુણવત્તાવાળા અથવા અયોગ્ય વૈકલ્પિક ખાતરોનો ઉપયોગ કરીને વાવેતર કરવા મજબૂર બન્યા છે, જેનાથી પાકના ઉતારા પર સીધી અસર પડી શકે છે. બીજી તરફ, હજારો હેક્ટરમાં વાવેતર ખાતરની રાહમાં અટકી ગયું છે. કૃષિ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર વાવણી નહીં થાય તો પાક પાકવાના સમયે ગરમી વધી જવાનો ભય રહે છે, જે ફરીથી પાક નિષ્ફળતાનું કારણ બની શકે છે.
ખેડૂતોનો આક્રોશ માત્ર ખાતરની અછત પૂરતો સીમિત નથી. તેમની નારાજગી સરકાર અને વહીવટી તંત્ર સામે પણ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ચોમાસામાં થયેલા નુકસાન બાદ સરકારે સહાયની જાહેરાત કરી હોવા છતાં, તેના પૈસા હજુ સુધી અનેક ખેડૂતોના ખાતામાં જમા થયા નથી. એક તરફ રોકડની તીવ્ર અછત અને માથે દેવાનો ડુંગર છે, અને બીજી તરફ ખાતર માટે કાળાબજારમાં ઊંચા ભાવ ચૂકવવાની નોબત આવી છે. ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, “અમે સમયસર ખાતર માંગીએ છીએ, મફત નહીં.” તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે દર વર્ષે સીઝન સમયે કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે, જેથી ખાનગી વેપારીઓ ઊંચા ભાવે વેચાણ કરી શકે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર અને ખેડૂતોના દાવાઓ વચ્ચે જમીન-આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે. ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે કે ખાતર મળતું નથી, જ્યારે ખાતર વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને તંત્ર ’સબ સલામત’ હોવાના પોકળ દાવા કરી રહ્યા છે. અધિકારીઓના મતે, જિલ્લામાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી, તથા વિતરણ નિયમ મુજબ પારદર્શક રીતે થઈ રહ્યું છે. સવાલ એ છે કે, જો ગોદામોમાં પૂરતો સ્ટોક હોય તો તે ખેડૂતો સુધી કેમ નથી પહોંચતો? શું વિતરણ વ્યવસ્થામાં કોઈ મોટી ખામી છે કે સિસ્ટમમાં ક્યાંક ભ્રષ્ટાચાર કે સંગ્રહખોરી ચાલી રહી છે? અધિકારીઓ કાગળ પરના આંકડા બતાવીને સ્થિતિ સામાન્ય હોવાનું રટણ કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ દર્શાવે છે. ખેડૂતોની ધીરજ હવે ખૂટી રહી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ટૂંક સમયમાં ખાતરનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે અને સહાય ચૂકવવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે શિયાળુ પાક એ ખેડૂતો માટે જીવનનિર્વાહનું છેલ્લું કિરણ છે. જો આ પાક પણ ખાતરના અભાવે બગડ્યો, તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે અને દેવાના ડુંગર નીચે દબાઈ જશે.



