ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ આગામી દિવસોમાં સરકાર સહાય પેકેજ જાહેર કરવાની છે. ત્યારે મોરબી તાલુકાના 8 ગામોના ખેડૂતો અને સરપંચ એસો. દ્વારા સહાય પેકેજની સાથે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર તંત્રને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયુ હતું કે અમે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે બદલાયેલા વાતાવરણને કારણે ઋતુચક્રમાં બદલાવ આવ્યો છે. ગમે ત્યારે વરસાદ-ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે. ચક્રવાત અને કમોસમી વરસાદને કારણે ખેડૂતને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર થતા નુકસાનને કારણે જગતનો તાત – અન્નદાતા દેવાદાર થતો જાય છે. પરંતુ ખેડૂતને થતું નુકસાન સહયથી ભરપાઈ થઈ શકે નહિ.
- Advertisement -
ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. આવી પરિસ્થિતિમા ખેડૂતને દેવામુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માફ કરવું જોઈએ. બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી કરકસર કરી તે નાણાં ખેડૂત પાછળ ખર્ચી ખેડૂતોને દેવામુક્ત કરવા જોઈએ. જેથી ખેડૂત કરી બેઠો થઈ શકે અને ઉમંગમા આવી ખેતી કરતો થાય. તે માનવ જીવન માટે ખુબજરૂરી છે. નહીતર ખેતીથી ખેડૂત દુર ભાગતો થશે, ખેતી ઓછી થતી જશે તો ખુબ મોટી સમસ્યાઓનું નિર્માણ થશે.
મોરબી તાલુકાના જીકિયારી, ઉંચી માંડલ, નીચી માંડલ,આંદરણા, વાંકડા, ખરેડા, શનાળા તળાવીયા અને ચકમપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી તાલુકા સરપંચ એસો.ના ઉપપ્રમુખ અને માનસર ગામના સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરિયાએ જણાવ્યું કે પાક તો ઠીક પાલો પણ નાશ પામ્યો છે. પશુપાલન માટે ઘાસચારો પણ વધ્યો નથી. સરકારે રાહત પેકેજની સાથે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને વીમા યોજના લાગુ કરવી જોઇએ. આ સાથે રાહત પેકેજમાં હેકટર દીઠ રૂ.50 હજારની ખેડૂતોને સહાય આપવી જોઈએ. જો આ માંગ નહિ સંતોષાય તો રસ્તા ઉપર ઉતરી જે આંદોલન કરવું પડશે તે કરીશું.
પાકનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. ખાતર કે દવા લેવા માટે એક પણ રૂપિયો નથી. માત્ર સહાય નહિ સંપૂર્ણ દેવા માફ કરે. અમે ચલો ગાંધીનગર અભિયાન ચલાવી ત્યાં અત્યાર સુધીની સૌથી મોટી રેલી યોજીશું.50 વર્ષમાં દિવાળી પછી નથી આવ્યો તેટલો વરસાદ આ વર્ષે આવ્યો છે. ખેડૂતોને થાળીમાં આવેલું ઢોળાઈ ગયું છે. હવે માત્ર રાહત પેકેજથી ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથી. સરકાર સંપૂર્ણ દેવા માફ કરે તેવી માંગ છે.



