માણાવદરમાં ખેડૂતો દ્વારા બેંક ઓફ બરોડાને તાળાબંધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
માણાવદરમાં બેંક ઓફ બરોડા દીવાનપરા શાખામાં સરકાર દ્વારા વર્ષ 2019 – 20નો પાકવીમો જે મંજૂર થયેલ હતો તે ખેડૂતોના ખાતામાં જમા ન થતાં આપના પ્રદેશ નેતા અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામી, જુનાગઢ જીલ્લા આપના રાજુ બોરખતરીયા સહિતના ખેડૂતોએ બેંકમાં તાળાબંધી કરવામાં આવી હતી.
- Advertisement -
વર્ષ 2019 – 20ના સમયે દેના બેંક, વિજયા બેંકની શાખાઓ હતી. ત્યારે આ શાખાઓ બેંક ઓફ બરોડામાં મર્જ થઈ જતા જે પાક વીમાની રકમ જમા થવામાં વિલંબ થઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોએ અનેકવાર બેંક ખાતે રજૂઆત રજૂઆત કરવામાં પણ આવી હતી. પરંતુ બેંક દ્વારા એક મહિનાથી પણ વધુ સમય થઈ જવા છતાં ખેડૂતોના ખાતામાં આ પાક વિમા ની રકમ હજુ સુધી જમા થઈ ન હતી તેથી ખેડૂતોએ કંટાળીને તાળાબંધી કરીને બેંક વ્યવહારને ઠપ્પ કરી દીધો હતો. ત્યારે બેન્ક દ્વારા પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી. આ તકે બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે 2200 જેટલા ખેડૂતોનો ખાતાધારકો આવેલા છે જેમાંથી 1100 જેટલા ખાતાઓની યાદી અપડેટ કરીને વીમા કંપનીને મોકલી આપી છે તે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં રકમ પણ જમા કરી દેશે. જયારે બેંકમાં 2200 જેટલા ખેડૂતોમાંથી 1100 જેટલા ખેડૂતોની યાદી વીમા કંપનીને મોકલી આપી છે ત્યારે આ ખેડૂતોને 25 જુલાઈ સુધીમાં ખાતામાં રકમ જમા થઈ જશે બાકીના ખેડૂતોને થોડા સમયમાં થઈ જશે તેવી બેન્કી દ્વારા લેખિતમાં બાંહેધરી આપી હતી.