ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય શ્રમિકોએ 8 પડતર માંગણીઓ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા ખાતે ખેતીકામ કરતા સેંકડો ભાગ્યા કામદારો અને પરપ્રાંતીય ખેત મજૂરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા પાયમાલ થયેલા 500થી 600 જેટલા મજૂરોએ મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. શ્રમિકોનો મુખ્ય આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલું રાહત પેકેજ વાસ્તવિક રીતે ખેતર ખેડતા ભાગ્યાઓ સુધી પહોંચ્યું નથી, જેના કારણે તેઓ દેવામાં ડૂબ્યા છે.
ખેત મજૂરોએ તેમની સુરક્ષા અને જીવનનિર્વાહ માટે કુલ 8 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે.
જેમાં સીમ વિસ્તારમાં સુરક્ષિત રહેઠાણ, પરપ્રાંતીય બાળકો માટે શિક્ષણ અને સ્કોલરશીપ, સ્થાનિક સ્તરે રાશન કાર્ડની સુવિધા તેમજ મહિલાઓ અને બાળાઓની સુરક્ષા માટે કડક પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કામ દરમિયાન મૃત્યુ પામનાર મજૂરના પરિવારને આર્થિક સહાય અને બાળકોને ભોજન-શિક્ષણની કીટ આપવા પણ રજૂઆત કરાઈ છે.
આગેવાનોએ જણાવ્યું હતું કે જો વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે આંદોલન તેજ કરવામાં આવશે. મામલતદારે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.



