બંને પુત્રોએ મુખાગ્નિ આપી, ગન સેલ્યૂટ પણ આપી: સમગ્ર માહોલ ગમગીન
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
બારામતીના કાટેવાડીમાં મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના ગુરુવારે બપોરે આશરે 12.15 વાગ્યે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર, બંને પુત્રો પાર્થ-જય, કાકા શરદ પવાર અને તેમનાં પુત્રી સુપ્રિયા સુલે વિદ્યા પ્રતિષ્ઠાનમાં હાજર રહ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ-પ્રમુખ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેશ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ) પ્રમુખ રાજ ઠાકરેએ અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલાં અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. બારામતીના રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8.45 વાગ્યે ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.
આ અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોનાં મોત થયાં હતાં. પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 4 રેલીને સંબોધિત કરવાના હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
શરદ પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવાર તેમના પતિ અજિત પવારના અંતિમ સંસ્કાર સમયે અત્યંત ભાવુક જોવા મળ્યા હતા. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં જ્યારે અંતિમ વિધિ ચાલી રહી હતી ત્યારે સુનેત્રા પવાર અને આખો પરિવાર શોકમાં ડૂબેલો હતો.



