ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવ લોક પામ્યા
પાલખી યાત્રામાં સાધુ સંતો અને સેંકડો સેવકો જોડાયા: ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- Advertisement -
સાધુનું તત્વ જ્ઞાન, સાદગી અને પ્રેમાળ સંતની વિદાયથી સેવકો અને ગિરનાર ક્ષેત્રના સંતોમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગિરનારની પવિત્ર તપો ભૂમિ પર યુવા અવસ્થામાં સનાતન ધર્મની ધજા ફરકાવી એવા વરિષ્ઠ સંત શ્રી તનસુખગીરી બાપુ દેવ લોક પામતા સેવકો અને ગિરનાર ક્ષેત્રના સાધુ – સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.ગિરનાર અંબાજી મંદિર શક્તિ પીઠ અને દત્ત શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત શ્રી તનસુખગિરી બાપુ ઉ.વ.71 વર્ષની ઉંમરે નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે અચાનક વધુ તબિયત લથડતા તનસુખગિરી બાપુએ રાજકોટ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા બાપુ દેવ લોક પામતા જૂનાગઢ તેમજ દેશ ભરના ભક્તો અને સેવકો અને ગિરનારના વરિષ્ઠ સંતોમાં શોક ફેલાયો છે. ભારત સાધુ સમાજ સંસ્થાના પ્રવક્તા તનસુખગિરી બાપુએ યુવા અવસ્થામાં સાધુ બનીને સનાતન ધર્મનો બોહળો પ્રચાર પ્રસાર કરીને ખુબ મોટા પાયે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી બાપુએ વધુ સમય બ્રહ્મલીન મહંત પૂજ્ય ગોપાલાનંદજી મહારાજ સાથે રહીને ગિરનાર ક્ષેત્ર અને ગુજરાત સહીત દેશના અનેક ધર્મ સ્થાનોની રક્ષા માટે ખુબ કામ કર્યું અને ગિરનાર શક્તિ પીઠ અંબાજી મંદિરના મહંત તરીકે બાપુએ અંદાજે છેલ્લા 50 વર્ષથી માતાજીની સેવા પૂજા કરીને સનાતન ધર્મ વિષે આલેખ જગાવી હતી સાધુ શાહીની પરંપરા બોહળો અભ્યાસ ધરાવતા હતા અને ધર્મ વિષેનું માર્ગદર્શન તેમના પાસેથી શીખવા જેવું હતું.
દરેક ધર્મ સ્થાનોના મંદિર સાથે હળીમળીને રેહવું અને સાદગી પૂર્ણ જીવન એમના જીવનનો મંત્ર હતો.આજે જયારે તનસુખ ગિરી બાપુ દેવ લોક પામતા ગિરનાર ક્ષેત્રને વરિષ્ઠ સંતની સાદાઈ માટે મોટી ખોટ પડી છે. તનસુખગિરી બાપુ દેવલોક પામવાના સમાચાર વાયુ વેગે પ્રસરતા અનેક ભક્તો અને સેવકો શ્રદ્ધાંજલિ અર્પવા જૂનાગઢ ભીડ ભંજન મહેદવ મંદિરે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા આજ સવારથી ભવનાથ ક્ષત્રના વરિષ્ઠ સંતો, સામાજિક આગેવાનો, વિશ્વ હિન્દૂ પરિષદ, ભક્તો અને સેવકો ખુબ મોટી સંખ્યમાં બાપુના અંતિમ દર્શન કરીને પુષ્પાંજલિ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યાર બાદ બાપુના પાર્થિવ શરીર સાથે પાલખી યાત્રા જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિર ખાતેથી નીકળી હતી અને ત્યાંથી ગિરનાર દરવાજા અને દામોદર કુંડ થઈને ભવનાથ તીર્થ ક્ષેત્ર સાથે ફરી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે તેમના ગુરુજીના સમાધિ સ્થળ નજીક બાપુને અશ્રુ ભરી આંખે ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે સમાધિ આપવામાં આવી હતી.