પરિવાર લગ્નપ્રસંગમાં રાજકોટ ગયા બાદ પુત્રી ગુમ થતા શહેર કોટડા પોલીસમાં જાણ કરાઇ\
અંતે 6 દિવસ પછી પુત્રીની લાશ મળી 23મીએ ગુમ થઇ, 26મીએ પોલીસે અરજી લીધી, 31મીએ પોલીસે પરિવારને લાશ મળી હોવાની જાણ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદના કાઠીયાવાડીની ચાલી પ્રેમનગરમાં રહેતા અને મૂળ વાંકાનેરના ભાયાજી જામુડીયા ગામના વતની મહિલાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગુમ થયાની 23મી મેના રોજ જાણ કરી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ બાદ 31મીએ પોલીસે પરિવારને લાશ મળી હોવાની જાણ કરી હતી. અમદાવાદમાં રહેતા પરિવારના મહિલાએ જણાવ્યુ હતુ કે હું ઘરકામ કરુ છુ અને મારે સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. જેમાં સૌથી મોટી દિકરી દેવુબેન, પછી રેખાબેન, સાસરે છે અને એક દિકરી કીરણનું અવસાન થયેલ છે. તેમજ દિકરો નરેશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેના લગ્ન થઇ ગયા છે. જેની પત્ની અને મારીપુત્ર વધુ સરોજ તે પણ મારી સાથે રહે છે. આ ઉપરાંત સૌથી નાની દિકરી કાજલ કે જેની સગાઇ શાહીબાગ ખાતે રહેતા અવિનાશ રાઠોડ સાથે એક વર્ષ પહેલા કરી હતી. આ સૌથી નાની દિકરી હીરાવાડી ખાતે છેલ્લા 6 વર્ષથી સિલાઇકામ કરે છે. તેમજ મારા પતિનું પંદરેક વર્ષ પૂર્વે અવસાન થઇ હતું.
રાજકોટ રહેતા અમારા સંબંધીને ત્યાં પ્રસંગ હોય અમે સહપરિવાર ત્યાં ગયા હતા પરંતુ મારી સૌથી નાની પુત્રી કાજલને સિલાઇકામે જવાની નોકરી હોય તે અમારી સાથે આવી ન હતી. રાજકોટ લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ મારો પુત્ર નરેશ અને તેની પત્ની સરોજ 23મીએ અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા અને હુ રાજકોટ અમારા સંબંધીને ત્યા રોકાઇ હતી. ત્યારે અમદાવાદ પુત્ર-પુત્રવધુ પહોંચ્યા તો ઘરે તાળુ માર્યુ હતુ અને કાજલ નોકરી પર ગઇ હતી. સૌથી મોટી પુત્રી દેવુબેન જે અમારી બાજુના વિસ્તારમાં જ રહે છે તેમને કહ્યુ કે કાજલ સવારે નવેક વાગ્યે ઘરે તાળુ મારી ચાવી મને આપી નોકરી પર ગઇ છે. સાંજે 6 વાગ્યે નોકરી પૂર્ણ થયા બાદ પણ કાજલ ઘરે ન આવતા મારા દિકરાએ મને ફોન કરી જાણ કરી હતી અને હુ રાજકોટથી અમદાવાદ આવી ગઇ હતી તેમજ સગાસંબંધી અને તે નોકરી કરતી હતી ત્યા અમે તપાસ કરી પણ તેની ભાળ ન મળતા અમે શહેરકોટડા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક વિગતો લઇ તપાસ કર્યા બાદ 26મીએ અરજી લીધી હતી. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ શોધખોળ શરૂ કરી હતી ત્યારે 31મીએ પોલીસે પરિવારને તેમની દિકરીની લાશ મળી હોવાની જાણ કરી હતી. આમ પોલીસ હાલ વધુ તપાસ હાથ ધરી રહી છે.