ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
રક્ષાબંધનના પવિત્ર તહેવારને એક દિવસ બાકી હોય ત્યારે જૂનાગઢમાં એક હૃદયસ્પર્શી ઘટના બની હતી, જેમાં વાલ્મિકી સમાજના નાથીબેન વાઘેલાએ પરિવારિક વિવાદનું સમાધાન કરાવવા બદલ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને ભાઈ માની રાખડી બાંધી હતી.
નાથીબેન વાઘેલાએ પોતાની મિલકત અને નાણાં સંબંધિત કુટુંબમાં ચાલી રહેલા વિવાદ અંગે જૂનાગઢ શહેરના ડીવાયએસપી ધાંધલિયાનો સંપર્ક કર્યો હતો. તેમણે પોતાના સગા ભાઈ દ્વારા થતા અન્યાય અંગે શ્રદ્ધાપૂર્વક રજૂઆત કરી હતી. ડીવાયએસપીએ આ વાતને ગંભીરતાપૂર્વક સાંભળી, તાત્કાલિક નાથીબહેનના ભાઈ અને તેમના પરિવારજનોને બોલાવી બંને પક્ષ વચ્ચે સહાનુભૂતિપૂર્વક સમજૂતી કરાવી હતી. આ સુંદર સંવાદ અને સમાધાનથી પરિવારમાં ચાલી રહેલો વિવાદ શાંત થયો હતો. રક્ષાબંધનના આ પવિત્ર અવસરે, નાથીબહેન વાઘેલાએ પોતાના ભાઈને રાખડી બાંધી અને પરિવાર સંગઠન તથા ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભાવુક થયેલા નાથીબહેને ડીવાયએસપીને પણ ભાઈ રૂપે રાખડી બાંધી, પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા તથા મવડી મંડળના અધ્યક્ષ સી.ડી. પરમાર દ્વારા નાથીબેનની રજૂઆત અને પોલીસ તંત્રના માનવીય અભિગમને આવકાર્યો હતો.