પાલિકા તંત્ર દોડતું થયું: નદીમાંથી મૃત માછલીઓ બહાર કાઢવાની કામગીરી શરૂ, તપાસના આદેશ
દોષિતો સામે કડક કાર્યવાહી કરો, ફલકુ નદીને પ્રદૂષણમુક્ત કરવા અસરકારક પગલાં લેવા રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગયો છે. એક સમયની પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.



