ધારાસભ્યનું બોર્ડ મારી રોફ જમાવતા શખ્સની હવા કાઢતી પોલીસ
કાર સાથે શખ્સ સાબલપુર ચોકડીથી ઝડપાયો
- Advertisement -
તાલુકા પોલીસે નકલી ધારાસભ્ય સામે ગુનો નોંઘ્યો
ખાસ-ખબર સંવાદદાતા
અનેકવાર મુન્નાભાઇ એમબીબીએસ નકલી તબીબ ઝડપાવાના કિસ્સા સાથે નકલી પોલીસ પણ ઝડપાયા હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે જૂનાગઢ તાલુકા પોલીસના હાથે નકલી ધારાસભ્ય બનીને રોફ જમાવતો શખ્સને સાબલપુર ચોકડી પાસેથી ઝડપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે.
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર જિલ્લામાં વાહન ચેકીંગ કરી કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ ડીવાયએસપી હિતેષ ધાંધલીયાના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ પીએસઆઇ એસ.એ.ગઢવી તથા પો.હેડ. ગોવિંદ પરમાર, રાજુભાઇ કટારા, પ્રવિણસિંહ મોરી અને રોહિત બોરખતરીયા સાબલપુર ચોકડી પાસે ચેકીંગ દરમિયાન કાર નં.જી.જે.11.એસ.6631ને રોકીને તપાસ કરતા કારમાં એમએલએ ગુજરાતનું બોર્ડ લગાવેલ હતુ. ત્યારે પોલીસને શંકા જતા કાર ચાલક રાજેશ જયંતિ જાદવ રહે.સીમાસી મેંદરડા તાલુકાના શખ્સની પુછપરછ કરતા તેને એવુ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીના અંગત મદદનીશ હોવાનું જણાવ્યુ હતુ અને પોતે કોઇ એમએલએ નહીં હોવાનું જણાવેલ. તાલુકા પોલીસે સાબલપુર ચોકડી પાસેથી કાર પર એમએલએ ગુજરાત લખેલુ બોર્ડ મારી નિકળેલ રાજેશ જેન્તીભાઇ જાદવને પુછપરછ કરતા તેને ગુજરાત રાજ્યના મંત્રીના અંગત મદદનીશ હોવાની જણાવી રોફ જમાવતા રાજેશ જાદવની નકલી એમએલએની હવા પોલીસે કાઢી હતી. જયારે પોલીસને નકલી એમએલએ હોવાનું સામે આવતા રાજેશ જાદવને કાર સાથે ઝડપી પાડીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નકલી ધારાસભ્ય વિરુદ્ધ વધુ તપાસ થશે
જૂનાગઢ તાલુકા પીએસઆઇ ગઢવીએ એમએલએ ગુજરાતનું બોર્ડમારી રોફ જમાવતા રાજેશ જાદવને ઝડપી પાડયા બાદ પોલીસે રાજેશ જાદવે કયાં કયાં નકલી એમએલએનો રોફ જમાવી કેટલા ગુનાઓ આચર્યા હશે તે દિશામાં પોલીસે ઉંડાણ પૂર્વક પુછપરછ કરી વધુ તપાસ આગળ ધપાવી છે.



