પૈસા આપનારા લોકો પૂછે તો કહેતો હતો કે, ‘તમને ડાયરેક્ટ નોકરી મળી જવાની છે’
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર સેક્ટર-28ના એક સરકારી ક્વાટર્સમાં દારૂ રાખવામાં આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. ઘરમાંથી દારૂની તો માત્ર અડધી જ બોટલ મળી હતી પરંતુ સરકારી નોકરી માટેના બનાવટી કોલ લેટર અને સર્વિસ બુક મળી આવી હતી. આ સાથે પોલીસે રાજ્ય કક્ષાના માજી મંત્રીના કારકૂનની ધરપકડ કરી સરકારી નોકરીના બનાવટી કોલ લેટર કૌભાંડની તપાસ શરૂ કરી છે. સેક્ટર-21 પોલીસ મથકના પીઆઇ આર.એસ.ડામોરની ટીમને સેક્ટર 28 સ્થિત સરકારી મકાન બ્લોક નંબર 6-4, છ ટાઇપ ખાતે રહેતો પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણીયા તેના ઘરે દારૂ રાખી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડતાં દારૂની અડધી બોટલ મળી હતી પરંતુ ઘરમાંથી સર્ચ દરિયાન સરકારી નોકરીના બનાવટી કોલલેટર મળી આવ્યા હતા.
- Advertisement -
પ્રકાશચંદ્ર 2 વર્ષ પહેલા રાજ્યકક્ષા ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. જ્યારે તેના ઘરમાં રેડ કરવામાં આવતા તિજોરીમાંથી અલગ અલગ સરકારી કચેરીના નિમણૂક પત્રો અને સર્વિસ બુક મળી હતી જે તમામ બનાવટી હોવાનુ જણાયું હતું. પ્રકાશચંદ્ર હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના રૂ.1 લાખથી લઇને રૂ.5 લાખ લેતો હતો. કોલલેટર અને સર્વિસ બુક મળ્યા બાદ ઉમેદવાર નોકરીની વાત કરતા ત્યારે પ્રકાશચંદ્ર એવું બહાનું કાઢતો હતો કે તેમને ડાયરેક્ટ નોકરી મળી છે. અન્ય ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તેમને બારોબાર નોકરીમાં હાજર કરી દેવામાં આવશે. કેટલાક ઉમેદવારોને શંકા જતા તેમણે પ્રકાશચંદ્ર પાસે પૈસા પાછા માગ્યા હતા. આરોપીના પિતા ઉદ્યોગ ભવનમાં આવેલી પ્રિન્ટીંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. આ બાબતે પોલીસે આરોપીની બેંક ડિટેલ કઢાવવાની કામગીરી હાથ ધરી છે.
ઘરમાંથી વર્ગ-2 અને 3ના 23 કોલ લેટર પકડાયા
પોલીસની રેડ દરમિયાન આરોપી પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરેથી અલગ અલગ 23 લોકોના નામના બનાવટી કોલલેટર મળી આવ્યા હતા. જેમાં વર્ગ-3 અને વર્ગ-2ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર બનાવવામાં આવ્યા હતા.
- Advertisement -
પોલીસ નકલી લેટર ખરીદનારાની પૂછપરછ કરશે
આરોપીના ઘરેથી હાલમાં 23 જેટલા લોકોના નામના કોલલેટર મળી આવ્યા છે. હાલમાં એક પણ ઉમેદવાર સરકારી નોકરી કરતો નથી, પરંતુ પોલીસ ઉમેદવારોને બોલાવશે અને તેમના દ્વારા કેટલા રુપિયા આપવામાં આવ્યા હતા, તેની માહિતી મેળવવામાં આવશે.