શીતળાધાર 25 વારીયામાં આજી ડેમ પોલીસનો બાતમી આધારે દરોડો
એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પત્નીને પણ સેટ કરે તે પૂર્વે પોલીસ ત્રાટકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તબીબી પ્રેક્ટિસ કરતા નકલી તબીબને પોલીસે ઝડપી પાડ્યો છે એક વર્ષથી સાળીના ક્લિનિકમાં બોગસ ડોકટર તરીકે પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હતો સામાન્ય બીમારીના દર્દીઓ પાસેથી રૂપિયા 50થી 200 લઈ દવા અને ઇન્જેક્શન આપતો હતો. રાજકોટના આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કોઠારીયા ગામ પાસે શીતળાધાર 25 વારીયામાં રાધે ક્લિનિક નામના દવાખાનામાં રેડ પાડી હતી જ્યાં તપાસ કરતા એક શખસ ક્લિનિકની અંદર સ્ટેથોસ્કોપ રાખી બેઠો હતો અને દવાઓ પણ પડી હતી બહાર દર્દીઓ પણ બેઠા હતા.
ક્લિનિકમાં બેસેલા વ્યક્તિને નામ પૂછતાં પોતે માધવ રેસિડેન્સી સ્વાતિ પાર્કમાં રહેતો મીત જગદિશભાઇ રંગાણી ઉ.26 હોવાનું જણાવ્યું હતું તેની પાસે મેડિકલ પ્રેક્ટીસ કરવા અંગે ડીગ્રી સર્ટીફીકેટ હોય તો તે બતાવવા માટે કહેતા મિતે જણાવ્યું હતું કે, પોતે બેચલર ઓફ એન્જિનિયરીંગ સુધીનો અભ્યાસ કરેલો છે અને પોતે એલોપેથીક દવાઓ આપી ઇન્ડોર પેશન્ટ તરીકે દર્દીઓને બાટલા ચડાવી સારવાર કરે છે. જોકે, તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનુ કોઈ જ સર્ટિફિકેટ ન હોવાનું સામે આવ્યું હતુ જેથી પોલીસે 18,826નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની વધુ પૂછતાછમાં મીત રંગાણી બોગસ ડોક્ટર તરીકે છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મીતના સાળી ઉર્વીબેન વડાલીયાનું આ ક્લિનિક છે અને ઉર્વીબેનના નામની જ હોમિયોપેથીની ડિગ્રી છે મીતના પત્ની પણ મેડિકલ ક્ષેત્રમાં છે. બંને પતિ પત્ની સેટ થઈ જાય તેવો વિચાર હતો અને તેથી જ પતિ મિત સાળીના ક્લિનિકમાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો હાલ મિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.