બોગસ ડેન્ટલ ટેકનીશ્યન મામલે રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલા હરસિદ્ધ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર મિલાપ કારીયાની ધરપકડ
સૌરાષ્ટ્રભરમાંથી આરોગ્યને લગતું બોગસ દસ્તાવેજ કૌભાંડનું મોટું રૅકેટ બહાર આવે તેવી શક્યતાઓ
ખાસ ખબર – પોરબંદર
(સ્પેશિયલ રિપોર્ટ – ઓમ જોષી)
પોરબંદર સિવિલ હોસ્પિટલ (ભાવસિંહજી હોસ્પિટલ)માં નકલી દસ્તાવેજના આધારે ડેન્ટલ ટેકનિશિયન તરીકે હંગામી ભરતી કરાવનારા દેવ કંદર્પ વૈધ અને નકલી ડેન્ટલ ટેકનીશ્યનનું સર્ટિફિકેટ બનાવનારા રાજકોટના ડોક્ટર મિલાપ કારિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વર્ષ 2024ની શરૂઆતમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલના ડીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ ટેકનિશિયનની ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ થઈ. જો કે, અરજીઓમાં માત્ર દેવ કંદર્પ વૈધની અરજી જ આવી હતી, જેને આધારે તેને નિમણૂક અપાઈ હતી. પોરબંદરના આર.ટી.આઇ એક્ટીવિસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ભરતીમાં ગેરરીતિ થયાની શંકા જતા હોસ્પિટલમાં તત્કાલીન સી.ડી.એમ.ઓ તથા આર.એમ.ઓ ને કરેલી ફરીયાદના આધારે તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી. દેવ દ્વારા રજુ કરાયેલા ડોક્યુમેન્ટમાં દર્શાવેલી “દર્શન કોલેજ” માંથી કોઈ પણ પ્રકારનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરાયો જ ન હતો. આ ઉપરાંત દેવે બોનાફાઈડ સર્ટિફિકેટ અને ફી સ્ટ્રક્ચર પણ ખોટું રજુ કર્યું હતું
. જ્યારે કમલાબાગ પોલીસે દર્શન કોલેજનો સંપર્ક કરતા તે કોલેજમાં ડેન્ટલ ટેકનીશ્યન નો કોઈ કોર્સ જ ન થતો હોવાની વિગતો બહાર આવી હતી. હોસ્પિટલમાં જ્યારે દેવના દસ્તાવેજોની ચકાસણી શરૂ થઈ ત્યારે દેવનો પગાર તરત જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેમને નોકરીમાંથી તાત્કાલિક ધોરણે છુટ્ટા કરી દેવામાં આવ્યા હત. આ મામલે સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ ડો.વિપુલ મોઢા દ્વારા સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવતા કમલાબાગ પોલીસ દ્વારા દેવ વૈધની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જેમાં દેવે નકલી સર્ટિફિકેટ બનાવનાર તરીકે ડો. મિલાપ એચ. કારિયાનું નામ ખોલ્યું હતું. પોલીસે ડો. મિલાપ એચ. કારિયાની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટ દ્વારા ડોક્ટર માટે પણ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ડો. મિલાપ કારિયા ભૂતકાળમાં પોરબંદર સિવિલ હોસ્પિટલમાં એમડીએસ તરીકે નોકરી કરતા હતા. તે દરમિયાન તેઓ દેવના પરિવાર સાથે પરિચિત થયા અને આ જ ઓળખાણે આ કૌભાંડને પાંખો આપી હતી. હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ડો. મિલાપ કારિયાએ અગાઉ કેટલા નકલી દસ્તાવેજો બનાવ્યા છે, અને તે રેકેટમાં વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે રિમાન્ડમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કિસ્સો તંત્રમાંની સાવચેતી અને દસ્તાવેજ ચકાસણીની જરૂરિયાતને રેખાંકિત કરે છે. નકલી દસ્તાવેજોના આધાર પર નોકરી મેળવવી માત્ર એક વ્યક્તિ માટે નહીં પણ સમગ્ર આરોગ્ય તંત્ર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.જોકે સફાળે જાગેલા હોસ્પિટલ તંત્રએ બોગસ દસ્તાવેજોના કેસને પગલે પોરબંદર સિવિલ હોસ્પિટલમાં તમામ કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓની પુન:ચકાસણી હાથ ધરવામાં આવી છે.