બિષ્ણુપુર જિલ્લાના તેરા ખોંગફૂંગબી નજીક ગોળીબાર
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુર છેલ્લા ઘણા દિવસોથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના સમાચાર હજુ પણ આવી રહ્યા છે. ગુરુવારે, શંકાસ્પદ ઉગ્રવાદીઓએ બિષ્ણુપુર જિલ્લાના તેરા ખોંગફૂંગબી નજીક ગોળીબાર કર્યો હતો. તે ઇમ્ફાલથી લગભગ 50 કિમી દક્ષિણે આવેલું છે. આ હુમલામાં એક પોલીસકર્મીશહીદ થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ પોલીસકર્મીઓમાંથી એકની હાલત ગંભીર છે. ઉગ્રવાદીઓએ મેઇતેઈ સમુદાયના બે લોકોનું પણ અપહરણ કર્યું છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ, આ ઘટના ટોરબુંગથી થોડા કિલોમીટર દૂર બની હતી, જ્યાં તાજેતરમાં હિંસા પ્રથમ વખત ફાટી નીકળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે આ વિસ્તારમાંથી ઉગ્રવાદીઓને ખત્મ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને જેનું અપહરણ કરવામાં આવ્યું છે તેમને પણ શોધી કાઢવામાં આવી રહ્યા છે. જેઓનું અપહરણ કરવામાં આવ્યું છે તેઓ અનાજ લેવા નીકળ્યા હતા ત્યારે ઉગ્રવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. દીમાપુરથી ઈમ્ફાલ જઈ રહેલી 100 થી વધુ ટ્રકોને ઉત્તર કાંગપોકપી જિલ્લામાં વિવિધ સ્થળોએ ટોળાએ રોકી હતી. લોકો હજુ પણ હિંસક છે, જોકે સેના વાતાવરણને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે.