હિંસક જૂથોએ સુરક્ષાદળોના શસ્ત્રાગારમાંથી 4537 હથિયારો અને 6.32 લાખ ગોળીઓની લૂંટ ચલાવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં ત્રણ મહિના પહેલાં શરૂ થયેલી હિંસા ફરીથી માથું ઊંચકે એવી ચેતવણી અધિકારીઓએ આપી હતી, કારણ કે સુરક્ષાદળોના શસ્ત્રાગારમાંથી જે હથિયારોની લૂંટ થઈ હતી, તેમાંથી હજુય 3000 જેટલાં હથિયારો ઉગ્રવાદી જૂથો પાસે છે. મણિપુરમાં મે-માસથી ચાલી રહેલી હિંસા હજુ સંપૂર્ણ કાબૂમાં આવી નથી અને ફરીથી હિંસા માથું ઊંચકે એવી શક્યતા અધિકારીઓ અને નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.
- Advertisement -
અધિકારીઓના કહેવા પ્રમાણે સુરક્ષાદળોના શસ્ત્રાગારમાંથી 4537 હથિયારોની લૂંટ ચલાવાઈ હતી અને 6.32 લાખ ગોળીઓ પણ ઉગ્રવાદીઓ સાથે લઈ ગયા હતા. એમાંથી આ જૂથો પાસે હજુય 3000 જેટલાં હથિયારો અને છ લાખ જેટલી ગોળીઓ છે, પરિણામે હિંસા ફરીથી વકરે એવી દહેશત છે. અધિકારીઓના કહેવા પ્રમાણે જે હથિયારોની લૂંટ ચલાવાઈ હતી, તેમાંથી 2900 હથિયારો ઘાતક શ્રેણીમાં આવે છે. એમાં 303 રાઈફલ, મીડિયમ ગન, એકે એસોલ્ટ રાઈફલ, કાર્બાઈન, ઈન્સાસ લાઈટ મશીન ગન અને રાઈફલ તેમ જ એમ-16 જેવી બંદૂકનો સમાવેશ થાય છે.
મણિપુરમાં મે માસથી શરૂ થયેલી હિંસા અટકવાનું નામ લેતી નથી. મણિપુર સરકારે પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને પાંચ જિલ્લામાં કર્ફ્યૂ લગાવ્યો છે. રાજ્યમાં મૈતી અને કુકી સમુદાયો વચ્ચેના ઘર્ષણમાં 160 કરતાં વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.