ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
આજે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના કાફલા પર કાંગકોપી જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. ઝેડ કેટેગરી સુરક્ષાના સુરક્ષા કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર છે.
- Advertisement -
મુખ્યમંત્રીનો કાફલો હિંસા પ્રભાવિત જિરીબામ તરફ જઈ રહ્યો હતો. તેમને જણાવ્યું કે, સુરક્ષા બળોના વાહનો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી, જે બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ નેશનલ હાઈવે-53ના એક ભાગ પર કોટલેન ગામ પાસે ગોળીબાર ચાલુ છે. એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, ’સીએમ બિરેન સિંહ હાલ દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી, તેઓ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરવા જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતા.’ આ ઉગ્રવાદી હુમલામાં ઈજાગ્રસ્ત સુરક્ષાબળના જવાનને ઈમ્ફાલની એક હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, મણિપુર પોલીસની સુરક્ષા ટીમ સીએમ એન બીરેન સિંહના પ્રવાસ પહેલા જિરીબામ ગઈ હતી. હાલ આ મામલે વધુ માહિતી મળી રહી છે. સીએમના કાફલા પર હુમલાની ઉપરાંત આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ પછી જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ બની હતી અને તાબડતોબ વધારાના જવાનો તહૈનાત કરીને પરિસ્થિતિને કાબુમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.