ચીન પર સૌથી વધુ અસર પડશે: ભારતમાં પણ 16.5% ઉત્પાદન ઘટવાની શકયતા: ગંભીર રિપોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
વિશ્ર્વભરમાં વધી રહેલી ગરમી અને પાણીની અછતના કારણે કૃષિ ઉત્પાદનો પર ગંભીર અસર પડવાની ચિંતા જાગી છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી ત્રણ દાયકામાં વૈશ્ર્વિક ખાદ્ય ઉત્પાદનમાં છ થી 14 ટકાનો ઘટાડો થશે. 2020ની સરખામણીએ ખાદ્ય સુરક્ષા વગરના લોકોની સંખ્યા 1.36 અબજ સુધી વધી શકે છે. આ રિપોર્ટ નેચરના જર્નલ સાયન્ટીફીક રિપોર્ટસમાં પ્રસિદ્ધ થયો છે. ભારતમાં ખૂબ અસરવાળા જલવાયુ પરિવર્તનના કારણે કૃષિ ઉત્પાદનોમાં 2050 સુધી 16.1 ટકાનો ઘટાડો થઈ શકે છે. એટલે કે ગરમીની વધતી અસર અને પાણીની ઉપલબ્ધીમાં ઘટાડાના કારણે આવી હાલત સર્જાઈ શકે છે. ચીન અને આસીયાન જેવા કૃષિ નિકાસકારોએ પણ આયાત તરફ વળવુ પડશે. કલાઈમેટ ચેન્જના કારણે કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાથી અનાજથી વંચિત રહેતા લોકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આ અભ્યાસ 141 દેશના જુદા જુદા 30 વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ ડેટાનો ઉપયોગ અનાજ સુરક્ષાથી વંચિત લોકોનું અનુમાન બાંધવા માટે ઉપયોગમાં લેવાશે. કલાઈમેટ ચેન્જની મોટી અસર આફ્રિકાખંડમાં વધુ છે. 2050 સુધીમાં આ ખંડના દેશોમાં ચિંતા વધી હશે. ઉપરાંત મધ્યપુર્વ, દક્ષિણ એશિયા અને અમેરિકા પણ તેમાં સામેલ છે.
ઘણા આફ્રિકી દેશોમાં ઉત્પાદન અડધુ થઈ જવાની પણ ભીતિ છે તો ચીન અને આસીયાન જેવા દેશ આયાતકાર બનશે. ચીન, ભારત, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોમાં ખાદ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ પણ અનિશ્ર્ચિત છે. કારણ કે અહી પાણીનું કદ અસમાન થઈ ગયું છે.
સૌથી વધુ અસરવાળા એશિયાના દેશમાં ચીનમાં અનાજ ઉત્પાદન 22.5 ટકા ઘટે તેમ છે. ભારતમાં 16.5, અમેરિકામાં 12.6, આફ્રિકામાં 8.2 થી 11.8, ઓસ્ટ્રેલિયામાં 14.7, મધ્ય અમેરિકાના કેટલાક ભાગોમાં 19.4 ટકાનો ઘટાડો થવાની શકયતા છે. છેલ્લા 11 મહિનામાં મે મહિનો પુરા વિશ્ર્વમાં સૌથી વધુ ગરમ રહ્યો છે. તાપમાનના રેકોર્ડ તૂટયા છે. તેના કારણે ચીજવસ્તુના ભાવમાં મોટો વધારો પણ થયો છે.