પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યા ને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવા માનનીય વડા પ્રધાનશ્રીના પ્રસ્તાવથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2015 થી દર વર્ષે 21 જૂને આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ, 2024 માં, વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા વિશાળ જન ભાગીદારી સાથે યોજવામાં આવશે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વયં અને સમાજ માટે યોગ” ના થીમ સાથે આ દિવસની ઉજવણી નક્કી કરવામાં આવી છે.એક્સ્ટ્રિમ ફિટનેસ કેરના મુખ્ય યોગ નિષ્ણાત કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ અને યોગ નિષ્ણાતો સુરજ મસાની, મહેશ મોતિવરસ, અંજલિ ગંધ્રોકિયા, નિષા કોટિયા, કૃષ્ણા મહેતા, સુનીલ ડાકી અને ધ્વનિ સલેટ સહિતના 30 યોગ ટ્રેનરો દ્વારા, છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને તટ રક્ષકો માટે વિના મૂલ્યે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર ઇન્કલેવ ખાતે યોગ પ્રોટોકોલનું આયોજન કરવામાં આવ્યું, જે યોગ ગુરુ કેતન કોટિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. આ વિશેષ સેવા માટે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર ઇન્કલેવના ડી.આઇ.જી. સિદ્ધાર્થ ભંડારીએ વિશેષ સન્માન સાથે એક્સ્ટ્રિમ ફિટનેસ કેરના યોગ નિષ્ણાત કેતન કોટિયા, સુરજ મસાની અને અંજલિ ગંધ્રોકિયાને આભાર વ્યક્ત કર્યો. આ પ્રકારના આયોજનથી, યોગ વિદ્યા દ્વારા અધિકારીઓ અને તટ રક્ષકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને વિશ્વ યોગ દિવસની ઉજવણીને એક નવી ઊંચાઈએ પહોંચાડવામાં આવી છે.