સુરેન્દ્રનગર એસટી ડેપોનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ, આઠમ અને નોમના તહેવારો દરમ્યાન મુસાફરોની વધેલી ભીડને પહોંચી વળવા માટે એસટી ડેપો દ્વારા વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધારાના ટ્રિપ્સને કારણે મુસાફરોને સુવિધા મળી રહી હતી અને તંત્રને પણ સારી એવી આવક થઈ હતી.
જણાવવામાં આવ્યું છે કે આ ત્રણ દિવસ દરમિયાન એક્સ્ટ્રા બસોના સંચાલનથી આશરે રૂ. 2 લાખની આવક નોંધાઈ હતી, જ્યારે દૈનિક સંચાલનથી રૂ. 9 લાખની આવક થઈ હતી. આમ કુલ મળીને 27 લાખ રૂપિયાની આવક થઈ હતી.
ડેપો દ્વારા અમદાવાદ અને રાજકોટ સહિતના વિવિધ રૂૂટ ઉપર વધારાની બસો દોડાવવામાં આવી હતી. નિયમિત દૈનિક સરેરાશ 14 હજાર મુસાફરોની અવરજવર રહે છે, પરંતુ આ તહેવારોમાં 20થી 25 હજાર જેટલા મુસાફરોની ભીડ જોવા મળી હતી.
જન્માષ્ટમી પર્વ દરમિયાન લોકોએ એસટી બસ સેવાનો ખાસ ઉપયોગ કર્યો હોવાથી તંત્રને વધારાની આવક મળવા ઉપરાંત મુસાફરોને પણ સરળતાથી આવન-જાવન સુલભ બની રહ્યું હતું.



