એક જાગૃત નાગરિકની અરજીઓ અને આરટીઆઈ પરથી પ્રાંત અધિકારીની પોલ ખુલી
ચરણસિંહ ગોહિલની બદલી થતાં આખા રાજકોટને હાશકારો!
- Advertisement -

અગાઉ ગોહિલે એક જાગૃત નાગરિકને ધમકી પણ આપી હતી!
રાજકોટ શહેર સાથે જોડાયેલા જામનગરરોડથી માધાપર ગામ તરફ જતા મેઈનરોડ પરની સરકારી જમીનમાં રાજકોટ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સરકારી સર્વે નંબર 111માં ફેરફાર કરી તથા સરકારી જમીનોમાં દબાણો દૂર કરવા ન કરવા બાબતે મોટી ઘાલમેલ કર્યાની વિગતો એક જાગૃત નાગરિક જગદીશભાઈ તેરૈયાએ ખાસ-ખબરને આપી છે. આ વિગત મુજબ માધાપર સર્વે નં.111ની સરકારી જમીન ખાનગી ઠેરવવા તેમજ માધાપર કોર્પોરેશનમાં આવેલી સરકારી જમીન પરનાં દબાણમાં ગેરરીતિ આચરી છે. આ અંગેની ફરિયાદ જે-તે સમયે જિલ્લા કલેક્ટરથી લઈ છેક મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી સુધી થઈ છે અને આ ફરિયાદને પગલે દબાણ દૂર કરવા કલેકટરે હુકમ કરવા છતાં આજ દિન સુધી દબાણ દૂર કર્યા નથી. આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની ભૂંડી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત જાણવા મળ્યા મુજબ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકને ધમકી આપી હતી અને આ મામલો છેક તે સમયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી પહોંચ્યો હતો.
સરકારી જમીનની ઘાલમેલમાં ચરણસિંહ ગોહિલ સાથે મામલતદાર અને તલાટીમંત્રી પણ સામેલ
જાગૃત નાગરિક જગદીશભાઈ તેરૈયાએ છેલ્લા બેથી અઢી વર્ષમાં વિવિધ અરજીઓ અને આરટીઆઈ કરી માધાપર સર્વે નંબર 111ની સરકારી જમીનના સર્વે નંબર ઉપરાંત સરકારી દબાણ દૂર કરવા ન કરવામાં કરેલી મોટી ઘાલમેલનો જે પર્દાફાશ કર્યો છે તેમા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની ભૂંડી ભૂમિકામાં મામલતદાર અને તલાટીમંત્રીની પણ સામેલગીરી હોવાનું જણાય રહ્યું છે. ચરણસિંહ ગોહિલે સરકારી જમીન અંગે કરેલા ગોટાળાનો એક જાગૃત નાગરિકે કરેલા પર્દાફાશ બાદ આ સમગ્ર મામલે વિજીલન્સ તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ છે.
- Advertisement -
ચરણસિંહનો અત્યાચાર, દરેક નિર્ણયમાં ભ્રષ્ટાચાર
પોતાનાં કાર્યકાળ દરમિયાન ચરણસિંહ ગોહિલે કાળો કેર મચાવ્યો હતો. રાજકોટે ચંદ્રકાન્ત પંડ્યા, પ્રજ્ઞેશ જાની પછી ત્રીજો એવો અધિકારી જોયો – જેને ભ્રષ્ટાચાર કરવામાં કોઈ જ પ્રકારની લાજ-શરમ ન હોય. ગોહિલે દસેય દિશામાંથી બેફામ લૂંટ કરી હતી. તેમનાં ભ્રષ્ટાચારની ચાડી ખાતાં અનેક પુરાવા ‘ખાસ-ખબર’ પાસે છે, જે તબક્કાવાર પ્રકાશિત થશે.


