-પ્રારંભમાં અલગથી કાઉન્ટર ખોલવા પડે તેવી શકયતા: દરેક શાખામાં એકસચેંજ થશે કે કેમ તે પણ પ્રશ્ર્ન
રૂા.2000ની ચલણી નોટો તા.30 સપ્ટેમ્બરથી ચલણમાં રહેશે નહી અને તેથી હવે આ ગુલાબી નોટો બદલવા માટેની પ્રક્રિયા તેજ બનશે. રિઝર્વ બેન્કે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યક્તિ તા.30 સપ્ટે. સુધીમાં બેન્કમાં એક સાથે વધુમાં વધુ 10 નોટો બદલી શકશે. એટલે કે રૂા.20000 સુધીની રૂા.2000ની નોટો બદલી શકાશે અને જે તે વ્યક્તિ એકથી વધુ વખત આ રીતે રૂા.2000ની નોટો બદલી શકશે.
- Advertisement -
આ માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ કરેલી જાહેરાત મુજબ કોઈ આઈડી પ્રુફ માંગવામાં આવશે નહી કે કોઈ ફોર્મ પણ ભરવાની જરૂર રહેશે નહી તથા જે તે વ્યક્તિ તે બેન્ક કે બ્રાન્ચનો ખાતેદાર હોય તે પણ જરૂરી નથી જયારે બેન્કમાં એક સમયે એક સાથે રૂા.50000ની રૂા.2000ની ચલણી નોટો જમા કરાવવી પડશે જેમાં બેન્ક ખાતુ કેવાયસી અપડેટ થયું હોવું જરૂરી છે પણ તા.30 સપ્ટે. સુધીમાં ગમે તેટલી રૂા.2000ની નોટો જે તે વ્યક્તિ તેના બેન્ક ખાતામાં જમા કરાવી શકશે.
આમ પ્રથમ નજરે તમામ પ્રક્રિયા સરળ લાગે છે પણ જે રીતે બજારમાં રૂા.2000ની ચલણી નોટો સ્વીકારવા ઈન્કાર થઈ રહ્યો છે. તેનાથી બેન્કોમાં એકસચેંજ માટે ધસારો થઈ શકે છે અને આવતીકાલથી બેન્કોએ તેના માટે તૈયાર રહેવું પડશે. જો કે નોટો એકસચેંજ માટે તા.30 સપ્ટેમ્બર સુધીનો વિન્ડો હોવાથી ધસારો થશે નહી તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
રૂા.2000ની ચલણી નોટો વાસ્તવમાં સકર્યુલેશન ઓછું હોવાથી 2026 જેવી સ્થિતિ નહી અને તે સમયે રાતોરાત નોટબંધી લદાઈ હતી અને પ્રથમ વખત આ પ્રકારે રૂા.500/1000ની ચલણી નોટો રદ થઈ તેથી તેમાં લોકોનો ગભરાટ પણ હતો. આ ઉપરાંત ડીજીટલ પેમેન્ટ પણ વધ્યુ છે તેની અસર પણ સકર્યુલેશનમાં છે છતાં પણ બેન્કોએ હવે તેના માટે અલગથી એકસચેંજ કાઉન્ટર ખોલવા પડશે. હાલ ફકત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ નિયમો જાહેર કર્યા છે. અન્ય બેન્કો આજે સ્થિતિ સ્પષ્ટ કરે તેવી શકયતા છે.
- Advertisement -
બેન્કોના અલગ-અલગ સૂર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ રૂા.2000ની નોટો એકસચેંજ માટેની માર્ગરેખા જાહેર કરી છે પણ ખાનગી બેન્કો હજુ મૌન છે. એચડીએફસીના પ્રવકતાના જણાવ્યા મુજબ હજુ સુધી એકસચેંજ માટે કેવાયસી જરૂરી કે કેમ તેના પર નિર્ણય લેવાયો નથી છતાં અમો આરબીઆઈની ગાઈડલાઈનનું પાલન કરશું તો યુનિયન બેન્ક ઓફ ઈન્ડીયાએ તેના ગ્રાહકો ના હોય તેને એકસચેંજની સુવિધા આપવી કે કેમ તે અંગે હવે નિર્ણય લેશે તેવું જણાવ્યું છે. ઉપરાંત તેઓ નોટ બદલવા આવનાર પાસેથી કોઈ અન્ડરટેકીંગ પણ લેવાઈ શકે છે.