ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 19 જાન્યુઆરીથી સ્નાતકના સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં બી.એ, બી. કોમ. સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. સવારે 10.30થી 12.30 અને બપોરે 2.30થી 5 વાગ્યા સુધી એમ 2 સેશનમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં પરીક્ષાના ઈઈઝટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબ સાઇટ પર લાઈવ નિહાળી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીના જણાવ્યા મુજબ 19 જાન્યુઆરીથી સ્નાતકના સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. જેમાં બી.એ. રેગ્યુલર/એકસ્ટર્નલ, બી.બી.એ., બી.એ., બી.એડ., એમ. પી.એડ., લો સેમેસ્ટર 1ની પરીક્ષાનો સમય સવારે 10.30થી 1 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે એમ.બી.એ., એમ.બી.એ.બેન્કિંગ એન્ડ ફાઇનાન્સનો સમય 2.30થી 5, બી.કોમ., બી.સી.એ., બી.એસસી. આઈ.ટી., બી.એસસી. અને બી.એસસી.એચ.એસ.ની પરીક્ષાનો સમય બપોરે 2.30થી 4.30 વાગ્યા સુધીનો રહેશે.
19 જાન્યુઆરીથી સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ આ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે સંખ્યા હજુ સુધી નક્કી થઈ શકી નથી. જોકે, પરીક્ષા દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ દરેક પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ઓનલાઈન યુનિવર્સિટીની વેબસાઈટ પર જોઈ શકાશે.
પરંતુ અગાઉ અનેક વખત એવું બન્યું છે કે, મોટાભાગની કોલેજોમાં ચાલતી પરીક્ષાના સીસીટીવી ઓનલાઈન દેખાતા નથી.
કેટલીક વખત કોલેજોમાં ચાલતી પરીક્ષાના બદલે વર્ગખંડમાં અભ્યાસ વર્ગો ચાલતા હોય તેના સીસીટીવી નજરે પડે છે. 19 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ઓનલાઈન જોઈ શકાય છે કે કેમ તે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે.