પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ ‘વારા પછી વારો, તારા પછી મારો’ ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે : જયરાજસિંહ
જયરાજસિંહ પરમારે પક્ષ છોડવાના અગાઉ આપ્યા હતા સંકેત
જયરાજસિંહે ટ્વિટ કરી કોંગ્રેસના આંતરિક વિવાદને ખુલ્લો પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે તેના સંકેત અગાઉ આપી દીધા હતા. તેઓ ટ્વિટ કરી કોંગ્રેસના અંદરખાને થતા કકળાટને ઉજાગર કરી રહ્યા હતા. ઉપરાંત તેમની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે મુલાકાત પણ થઈ હતી. તેની તસવીરો સામે આવી હતી. ત્યારથી એવુ લાગી રહ્યું હતું કે જયરાજસિંહ પરમાર ટૂંક સમયમાં કોંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જયરાજસિંહ પરમાર કોંગ્રેસ સાથે છેલ્લા 37 વર્ષથી જોડાયેલા હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રવક્તાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર પત્ર લખી તેની જાણકારી આપી છે. આ અગાઉ તેમણે ટ્વિટર પર કોંગ્રેસના આંતરિક વિવાદને ખુલ્લો પાડ્યો હતો. 27 જાન્યુઆરીના રોજ તેમણે એક ટ્વિટ કરી હતી. તેમા તેમણે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે.
- Advertisement -
જ્યારે ગતરોજ તેમણે વધુ એક ટ્વિટ કરી હતી. જેથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ કોંગ્રેસ પક્ષ છોડવાના છે. ગત રોજ તેમણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે આજે મેહસાણા રાજપદથી માતા બહુચરના આશિર્વાદથી શરૂઆત બહુચરાજીથી તેમણે ટ્વિટમાં આગળ શાયરાના અંદાજમાં લખ્યું હતું કે ‘કિસકો ફિક્ર હૈ કિ કબીલે કા ક્યા હોગા! સબ ઇસી બાત પર લડતે હૈ કિ સરદાર કૌન હોગા..!!’
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. ત્યારે હવે જયરાજસિંહને ભાજપમાં લાવવાના પ્રયાસો તેજ થયા છે. મળતી માહિતી મુજબ જયરાજસિંહ પરમાર દિલ્હીનાં નેતાઓના સંપર્કમાં છે. કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે તાજેતરમાં જ જયરાજસિંહના ઘરની મુલાકાત લીધી હતી. જયરાજસિંહના પુત્ર હર્ષાદિત્યસિંહ અને દેવુસિંહ ચૌહાણના ફોટો સામે આવતા અનેકવિધ અટકળો લગાવાઇ રહી છે.
જયરાજસિંહ પરમારે સમર્થકોને સંબોધીને એક પત્ર લખ્યો છે. તેમા તેમણે જણાવ્યું કે હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહી પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝુમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ ‘વારા પછી વારો, તારા પછી મારો’ ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.