રાજ્યની 350 ગ્રાન્ટેડ કોલેજ પૈકી 200માં કાયમી આચાર્ય ન હોવાના આક્ષેપ, ગુજરાત યુનિ.ને નેક જોડાણને સાત વર્ષ જેટલો સમય થયો છતાં હજુ અરજી નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિઓની નિમણુકને લઈ કોમન એક્ટ લાગુય થવાની રાહ જોવાતી હતી. જોકે હવે ‘ગુજરાત પબ્લિગ યુનિવર્સિટીઝ એક્ટ-2023’ લાગુ થયાને 4 મહિના થવા આવ્યાં છતાં રાજ્યની 8 યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણુક થઈ ન હોવાના આક્ષેપ થયાં છે. આ સિવાય રાજ્યની 350 ગ્રાન્ટેડ કોલેજો પૈકી 200 જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય ન હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. રાજ્યની સૌથી જૂની અને એક સમયની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનું નેક જોડાણ માટે છેલ્લા સાત વર્ષ જેટલો સમય વિતી ગયો છતા આજદિન સુધી અરજી કરવામાં યુનિવર્સિટી સત્તાધીશો નિષ્ફ્ળ રહ્યાં હોવાના આક્ષેપ થયાં છે. એક તરફ્ સ્ટેટ યુનિવર્સિટી એકટ આધારે નેક ધરાવતી કોલેજોના આચાર્યઓને જ બોર્ડ ઓફ્ મેનેજમેન્ટ-સત્તામંડળમાં સ્થાન મળશે તે જોગવાઈ આગળ કરીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા યુનિવર્સિટી એક્ટ અન્વયે પ્રિન્સીપાલોને નિયુક્તીથી વંચિત રાખવામાં આવી રહ્યાં છે બીજીબાજુ ગુજરાત યુનિવર્સિટી ખુદને જ નેકનું પુન: જોડાણ નથી તો તેની માટે સત્તાધીશો અને રાજ્ય સરકાર કેમ મૌન ? તેવા આક્ષેપો શિક્ષણ નિષ્ણાંતો કરી રહ્યાં છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ-2023 ના મોડલ સ્ટેચ્યુટ માત્ર પાંચ દિવસમાં રાજ્યની આઠ યુનિવર્સિટી કક્ષાએ સત્તા મંડળમાં સ્ટેચ્યુટ પસાર કરી મોકલી આપવા તાકીદ કરાઈ છે. આટલા ગંભીર વિષય પર પાંચ દિવસનો સમય ઘણો ઓછો હોવાનું પણ સંચાલકો જણાવી રહ્યાં છે. રાજ્યની 83 માંથી 55 એટલેકે 66% થી વધુ યુનિવર્સિટી એ નેક ની માન્યતા લીધેલ નથી, રાજ્યની 2267 માંથી 1767 એટલે કે 78% કોલેજો એ નેકની માન્યતા લીધી ન હોવાનો શિક્ષણ નિષ્ણાંતો આક્ષેપ છે.