જૂનાગઢ – ગિર સોમનાથ રેલવે પ્રશ્ર્ને સાંસદ અને ધારાસભ્યની કેન્દ્ર રેલવે મંત્રી સાથે મુલાકાત
મુખ્ય મુદ્દાઓ, શહેર ફાટક લેશ, મીટર ગેજ લાઈન, લાંબા અંતરની ટ્રેન: સોરઠમાં રેલવે પ્રશ્ર્નો માટે રજૂઆત જરૂરી પણ કામગીરી ઝડપી જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
સોરઠ પંથકમા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રેલવે વિભાગના અનેક પ્રશ્ર્નો છેલ્લા ઘણા વર્ષોથી અટવાયેલા પડેલા છે.સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો સહીત સામાજિક સંસ્થાઓ દ્વારા રેલવેના મુદ્દાઓ વિષે અનેક મૌખિક તેમજ લેખિત અને રૂબરૂ રજૂઆત કરવામાં આવે છે પણ જેટલું નક્કર પરિણામ મળવું જોઈએ તે મળતું નથી.એજ રીતે વધુ એકવાર સાંસદ રાજેશ ચુડાસમા અને જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને લખતી રજૂઆત કરીને બંને જિલ્લાના રેલવેના મુખ્ય પ્રશ્ર્નોની રજૂઆત કરી હતી ત્યારે રેલવે મંત્રી દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જોઈએ હવે જે લટકતા પ્રશ્ર્નો છે.તે કેટલા સમયમાં સત્વરે નિકાલ આવે છે. રેલવેના અલગ અલગ પ્રશ્ર્નોની વાત કરીયે તો જૂનાગઢ શહેર માં 7 જેટલા રેલવે ફાટકો આવેલા છે અને આ રેલવે ફાટકોની દિવસે દિવસે વિસ્તાર વધવાની સાથે વાહનો પણ વધી રહ્યા છે જેના લીધે મીટર ગેજ રેલવે લાઈનના ફાટકો અને બ્રોડગેજ લાઇનના ત્રણ ફાટકો ટ્રાફિકથી સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે.જયારે બીજી સમસ્યા જૂનાગઢ દેલવાડા લાઈનને શાપુરથી પ્લાસવા સુધી જોડવામાં હજુ કોઈ નક્કર કામગીરી થઇ નથી માત્ર રજૂઆતો થાય છે તેના માટે સામાજિક સંસ્થાના આગેવાનોએ પણ અનેક વાર ઊંચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.અને જયારે હવે રાજ્ય સરકાર સોરઠના જૂનાગઢ શહેર સાથે સાસણ ગીર અને સોમનાથ મંદિર અને દીવનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થઇ રહ્યો છે
એવા સમયે લાંબા અંતરની ટ્રેનો જોઈએ તેટલી મળતી નથી એ પણ એક મોટી સમસ્યા છે. જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા અને સાંસદ રાજેશ ચુડાસમા એ નવી દિલ્હીમાં માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સાથે મુલાકાત કરી હતી અને જૂનાગઢ અને ગીર સોમનાથ ક્ષેત્રની રેલ સેવાઓને વધુ મજબૂત કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.જૂનાગઢ અને ગીર સોમનાથ તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક વારસા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં આવેલું સોમનાથ મંદિર, જે 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે, તે ભક્તોની વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર્વત, ઘણા પ્રાચીન મંદિરો અને જૈન તીર્થસ્થાનોનું ઘર, આધ્યાત્મિકતા અને પર્યટનનું સંયોજન પ્રદાન કરે છે. વધુમાં, ગીર અભયારણ્ય એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, જે વન્યજીવ પ્રેમીઓને આકર્ષે છે. આ સ્થળોના મહત્વને જોતાં, આ પ્રદેશમાં બહેતર અને સુલભ રેલ જોડાણની જરૂર છે, જે પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપી શકે છે. આ બેઠકમાં સોમનાથથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા, જૂનાગઢને રેલ્વે ફાટક મુક્ત બનાવવા, લાંબા અંતરની ટ્રેનોને સોમનાથ સુધી લંબાવવા, જૂનાગઢમાં નવા રેલ્વે સ્ટેશનના નિર્માણ કાર્યને ઝડપી બનાવવા જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ત્યારે રેલવે મંત્રીએ આ તમામ મુદ્દાઓ પર હકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી જેનાથી વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બનશે.