જામજોધપુર સરકારી દવાખાનાની ગંભીર બેરદારકારી
સરકારી દવાખાનાના કથળતા વહિવટ અંગે દર્દીએ વિડીયો બનાવી વાયરલ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જામજોધપુર, તા.13
જામજોધપુરમાં આવેલા CHC સરકારી દવાખાનાની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં દાખલ થયેલા એક દર્દી અને તેમના પત્નીને યોગ્ય સારવાર મળી ન હતી. સમગ્ર મામલે દર્દીએ દવાખાનામાંથી જ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દાખલ દર્દી ભાજપ પ્રભારીનો હોદ્દો ધરાવે છે, હવે જો તેમને પણ યોગ્ય સારવાર ન મળતી હોય તો સામાન્ય દર્દીઓ સાથે અહીં કેવો વ્યવહાર થતો હશે તેનો અંદાજ લગાવી શકાય છે. બનાવની વિગત અનુસાર જામજોધપુરના બીજેપી પ્રભારીને ગત રાત્રીના રોજ ગળામાં અસહ્ય દુ:ખાવો, ઉલ્ટી, ચક્કર, તાવ સહિતની તકલિફ થતા તેઓ પોતાના પત્ની સાથે સરકારી દવાખાનામાં સારવાર લેવા પહોંચ્યા હતા.
જ્યાં તેઓ દાખલ થયા બાદ તેમને ઉડાવ જવાબ મળ્યા હતા અને ફરજ પર હાજર ડો. પરિતા સહિત અન્ય એકપણ ડોક્ટર કે મેડિકલ સ્ટાફ તેમની તપાસ કરવા કે સારવાર કરવા માટે આવ્યા ન હતા. એક તરફ દર્દી તકલિફથી પીડાઈ રહ્યા હતા તો બીજી તરફ સરકારી દવાખાનાનો સ્ટાફ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. અંતે નાછૂટકે રાત્રીના 3 વાગ્યે દર્દીએ પોતાની પીડા પ્રગટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને જામજોધપુરના સરકારી દવાખાનાની બેદરકારીની પોલ ખોલી હતી.