જર્જરિત ઇમારત હોવા છતાં તંત્ર સિલ મારવાની કામગીરીથી અળગું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
ધ્રાંગધ્રા શહેરમાં આવેલા ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલની ઇમારત છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાનું માલૂમ પડ્યું છે સાથે જ રાજકોટના TRP અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા અહી તપાસ કરતા ફરીના સાધનો અંગે પણ બેજવાબદાર હોવાનું સામે આવ્યું હતું.
- Advertisement -
એટલું જ નહિ તપાસમાં ખાનગી હોસ્પિટલની છતાં પર રહેલો સેડ પણ ગેરકાયદેસર હોવાનું જણાઇ આવતાં તંત્ર દ્વારા ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલક ડો.આશિષ શાહને નોટિસ પણ આપી હતી પરંતુ તંત્રની નોટિસને વર્ષોથી ઠેબે ચડાવતા સંચાલકે પ્રથમ નોટિસને હળવાશમાં લીધી હતી જેની સામે બીજી નોટિસ આપતા હોસ્પિટલ સંચાલકે છત પર ગેરકાયદેસર શેડનો કેટલોક હિસ્સો હટાવ્યો હતો. પરંતુ બી.યુ પરમિશન, ફાયર સેફ્ટી અને સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ અંગે બેદરકાર ડોકટર હાઉસ સંચાલકને ગત 9 જુલાઈના રોજ 14 દિવસની સમય મર્યાદા અંગે નોટિસ ફટકારી તાત્કાલિક 14 દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો આ તરફ ડોકટર હાઉસ સંચાલક દ્વારા 14 દિવસની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં કોઈ પ્રકારની કામગીરી નહિ કરતા હવે તંત્રે આપેલી નોટિસ બાદ સિલ મારવાની કામગીરી શરૂ કારે તે જરૂરી છે.
એક હોસ્પિટલના લાગતા મોટાભાગના સરકારી નિયમોનું ઉલંઘન કરતા ડોકટર હાઉસ હોસ્પિટલના સિલ મારવા માટે તંત્ર હવે આગળ આવે અને દાખલારૂપ કાર્યવાહી કરે તેવી લોકોમાં પણ માંગ ઉઠવા પામી છે.