ખાસ-ખબર સંવાદદાતા
વાવાઝોડાની અસરના કારણે મોરબી જિલ્લામાં સૌથી વધુ નુકસાન વીજ કંપનીને થયું છે અને અત્યાર સુધીમાં થયેલ સર્વે મુજબ 10 કરોડથી વધુ નુકસાન વીજ કંપનીને થયું છે જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં રાતના ઉજાગરા કરીને પણ વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવેલ છે પરંતુ આજની તારીખે પણ મોરબી નજીક આવેલ નવલખી પોર્ટ ઉપર વીજ પુરવઠો કાર્યરત થયો નથી.
બીપરજોય વાવાઝોડાએ કચ્છના જખો બંદર ઉપર મોટા પ્રમાણમાં તારાજી સર્જી છે જોકે તેની અસરના ભાગરૂપે જુદા જુદા વિસ્તારમાં નાના મોટી નુકસાનીઓ હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર પણ આ વાવાઝોડાની અસર જોવા મળી હતી અને ભારે પવન અને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં વીજ પોલ તૂટી પડ્યા હતા અને હાલમાં વીજ કંપનીના અધિક્ષક પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે એચટી અને એલટી લાઈન મળીને કુલ મળીને 5400 જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે.
- Advertisement -
જેને ઉભા કરવા અને રીપેર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ 427 જેટલા ટ્રાન્સફોર્મરમાં પણ નુકસાન થયું હતું. અંદાજે અત્યાર સુધી જે કામગીરી કરવામાં આવી છે અને જે નુકસાન ધ્યાન પર આવ્યું છે તે મુજબ 10 કરોડથી વધુનું નુકસાન વીજ કંપનીને વાવાઝોડાની અસરના કારણે થયેલ છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થાય તે માટે રાત દિવસ જોયા વગર વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.