ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યોએ એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીરની મુલાકાત લીધી હતી. સમિતિના સભ્યોએ જંગલ સફારીનો આનંદ માણ્યો હતો અને સિંહોના સંરક્ષણ તેમજ પ્રવાસન સુવિધાઓ અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત સમીક્ષા કરી હતી.
અંદાજ સમિતિના પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સમિતિના સદસ્ય સર્વ કનુભાઈ પટેલ, હર્ષદકુમાર પટેલ, ભગવાનજીભાઈ કરગટીયા, ભગાભાઈ બારડ, જયદ્રથસિંહજી પરમાર, શ્રીમતી સંગીતાબેન પાટીલ, માનસિંહજી ચૌહાણ અને અરવિંદ પટેલે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યની મુલાકાત લીધી હતી. સમિતિએ ગીર અને દેવળીયા પાર્ક ખાતે દર વર્ષે આવતા લાખો પ્રવાસીઓ માટેની વ્યવસ્થાઓ અને સિંહોના સંવર્ધન માટે વન વિભાગ દ્વારા લેવામાં આવતા પગલાંનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢના સીસીએફ ડો. રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક ડો. મોહનરામ (વન્યપ્રાણી વિભાગ) અને પ્રશાંત તોમર (ગીર પશ્ચિમ) સહિતના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સમિતિને ગીરની ભૌગોલિક વિશેષતાઓ અને સિંહોના જતન માટેની આધુનિક પદ્ધતિઓથી માહિતગાર કર્યા હતા.



