13 જૂન આસપાસ ગુજરાતનાં દરિયાકિનારેથી ચોમાસાનો પ્રવેશ
આજથી પાંચ દિવસ રાજયનાં જુદા-જુદા ભાગોમાં વરસાદી માહોલ રહેશે, સખ્ત બફારો વર્તાશે: તા.11 સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી સાનુકુળ પરીસ્થિતિ છે જેથી તે ધીરે ધીરે ગુજરાત નજીક આવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ચોમાસુ કયારે દસ્તક આપશે? તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી પ્રિ મોન્સુન એકટીવીટીના ભાગરૂૂપે રાજયના વિવિધ ભાગોમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને ગરમી ઘટશે. પરંતુ બફારાથી લોકો બેહાલ બને તેવી શકયતા છે.
બીજી તરફ સમય કરતા વહેલું 13 જૂનની આસપાસ નૈઋત્ય ચોમાસુ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં એન્ટ્રી કરે તેવી પુરી શકયતા છે. સમગ્ર રાજયમાં પડી રહેલી ગરમી હજુ યથાવત રહી છે. જો કે, કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઘટતા લોકોને સામાન્ય રાહત મળી રહી છે ત્યારે હવે સૌ કોઈ ચોમાસાની રાહ જોઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસુ કર્ણાટકના ઉતર ભાગ સુધી પહોંચી ગયું છે અને હવે માત્ર 30થી48 કલાકની અંદર મહારાષ્ટ્રમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.
- Advertisement -
અત્યારે જે રીતે ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. તેની સાથે અરબ સાગરમાં લો પ્રેસર તૈયાર થઈ રહ્યું છે અને આ લો પ્રેસર, વેલમાર્ક માર્ક લો પ્રેસરમાં આજે મોડીરાત્રે ફેરવાય તેવી પુરી શકયતા છે. આ વેલમાર્ક લો પ્રેસર ડીપ ડીપ્રેશનની કેટેગરીમાં જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે.
ગુરુવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ઉનાળામાં પણ વધારો નોંધાશે. જે વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ નથી તે વિસ્તારોમાં આજથી એક ડીગ્રી તાપમાનમાં વધારો થયો હશે. આ તાપમાન 11 જૂન સુધી રાજયના અનેક વિસ્તારોમાં તાપમાન ફરીથી 40 ડીગ્રીને પાર થાય તેવી શકયતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારોમાં એક-બે દિવસમાં છુટાછવાયા ઝાપટા જોવા મળશે.
આજથી કયાં કયાં વરસાદની વકી
6 જૂન: દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે.
7 જૂન: દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે.
8 જૂન: દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે.
9 જૂન: રાજયના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ
થાય છે.
10 જૂન: દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની
આગાહી છે.