રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે હજુ પણ વરસાદ ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. ગુજરાતમાં એકસાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
ગાંધીનગરના માણસામાં મૂશળધાર વરસાદ થયો હતો, તો ઇટાદરા ગામે ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. પટેલ એમ.એમ. હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ જળમગ્ન થયું તો શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ શાળાએ જવામાં અસમર્થ હતા. જેને કારણે જળભરાવ થતા બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે.
- Advertisement -
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ડીસા, દાંતીવાડા, લાખણી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આ તરફ થરાદ સહિતના પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડીસા-પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. હાઈવે પર પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મૂશ્કેલીમાં મૂકાયા હતા. ભારે વરસાદને પગલે બનાસ નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે.
બનાસકાંઠાના થરાદમાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો. તો ભારે વરસાદને પગલે બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે પાણી ભરાયા હતા. 2 ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે. સામાન્ય વરસાદે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. જેને કારણે તંત્રની દેખાવની કામગીરીથી સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. પાટણમાં વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. પાટણ જીલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે. સિધ્ધપુર, સરસ્વતી, હારીજમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો ચાણસ્મા, રાધનપુર, સાંતલપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ તરફ શંખેશ્વરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. નવાગઢ, પેઢલા, જેતલસર, રબારીકા સહિતના ગામોમાં વરસાદ થયો હતો. તો જેતપુર શહેરના સ્ટેન્ડચોક, સરદાર ચોક, એમજી રોડ વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. લાંબા વિરામ બાદ પોરબંદર જિલ્લામાં ફરી વરસાદની બેટિંગ શરૂ થઈ છે. ત્યારે રાણાવાવ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો હતો. પૂરમાંથી બહાર નીકળતા જ ફરી ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
- Advertisement -
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો હતો. મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો. ટીંટોઈ, ઈસરોલ, જીવનપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. માલપુર-મોડાસા હાઈવે પર વરસાદને કારણે રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. પવન સાથે વરસાદ વરસતા વાહનચાલકોની વિઝિબિલિટી ઘટી હોવાનથી વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી.
ગીર સોમનાથમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કોડીનારમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો. કોડીનાર શહેર, પીપળવા, કડોદરા, દેવળી, ડામલીમાં વરસાદ થયો છે. મૂશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો હતો.