રાજસ્થાનથી હરિયાણા કરાતી હતી ગૌમાંસની હોમ ડિલિવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજસ્થાનમાં ભાજપ સરકાર આવ્યા બાદથી જ ગૌતસ્કરો સામે એક પછી એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન સરકાર આ અંગે ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો, જે હવે તે પૂર્ણ કરતી જોવા મળી રહી છે. હાલમાં જ પોલીસે અલવરના જંગલોમાં પર્વતીય વિસ્તારો વચ્ચે વસેલા વિસ્તારમાં દરોડા પાડી મોટી સંખ્યામાં ગૌમાંસની તસ્કરી કરનારાઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ કાર્યવાહી કિશનગઢ બાસ વિસ્તારના રૂંધ ગીદાવડા વિસ્તારમાં કરવામાં આવી છે. જયપુર આઈજી રેન્જ ઉમેશ ચંદ્ર દત્તા અને ખેરતલ-તિજારા એસપી સુરેન્દ્ર સિંહ આર્યએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા તેઓ ગૌવંશના અવશેષો જોઈને દંગ રહી ગયા હતા. આઈજીએ ગૌતસ્કરોને રક્ષણ આપવાના આરોપમાં કિશનગઢ બાસ પોલીસ સ્ટેશનના જઇંઘ દિનેશ મીણા સહિત સમગ્ર 40 સ્ટાફને સસ્પેન્ડ કરી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં ગૌવંશની હત્યા કરીને નૂંહ અને નજીકના વિસ્તારોમાં ગૌવંશની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી. પોલીસે આ મામલે 25 લોકો સામે ગૌવંશની હત્યાનો કેસ દાખલ કર્યો છે. પોલીસે હોમ ડિલિવરી કરનાર 12થી વધુ બાઈક અને ગૌવંશને પકડીને લાવનાર એક પિકઅપ ગાડી પણ પકડી છે.