સાધુ-સંતોની લડાઈમાં અંતે ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન
મંદિરમાં મહાશિવરાત્રી મેળા સહિત ઉત્સવો હવે સરકારી નિયંત્રણ હેઠળ
- Advertisement -
મંદિરની આવક-જાવક અને વ્યવસ્થાપનનો સર્વે કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું પૂજ્ય ભવનાથ મહાદેવ મંદિર, જે ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરાનું કેન્દ્ર ગણાય છે, ત્યાં આજે એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. વર્ષોથી સાધુ-સંતો દ્વારા સંચાલિત રહેલા આ પવિત્ર સ્થળે હવે પ્રથમ વખત રાજ્ય સરકારે વહીવટદારને શાસન સુપરત કર્યું છે. અતિતના કેટલાક વર્ષોથી ભવનાથ મંદિરમાં મહંત પદ માટે સાધુઓ વચ્ચે આંતરિક ખેંચતાણ અને જુદા જુદા જૂથો વચ્ચે વિવાદ ચાલુ હતો, જેના કારણે ભક્તોમાં પણ અસ્વસ્થતા જોવા મળતી હતી. આ વિવાદની ગંભીરતા સરકારે નોંધ લીધી હતી અને અનેકવાર સમાધાન લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ કોઈ નિષ્કર્ષ ન આવતા આખરે સરકારે કડક પગલાં ભર્યા છે. રાજ્ય સરકારે ભક્તો અને સંતોની શ્રદ્ધા જળવાઈ રહે તે હેતુસર સીધી દખલઅંદાજી કરતા શાસનનો વહીવટ હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મહંત હરિગીરીનો કાર્યકાળ આજે પૂરો થતાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂક પરંપરાગત રીતે કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મહંત પદને લઈને ચાલી રહેલા વિવાદો આ પરિવર્તનનું મુખ્ય કારણ બન્યા છે. અનેક સંતે મહંત હરિગીરી સામે અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોમાં હરિગીરીએ કલેક્ટરોને મહંત બનવા માટે કરોડો રૂપિયા આપ્યા હોવાના દસ્તાવેજો પણ જાહેર કરવામાં આવ્યા હતા, જેનાથી મોટો વિવાદ ઊભો થયો હતો. આ નિર્ણય અંતર્ગત, જૂનાગઢના જિલ્લા વહીવટદારને મંદિરના શાસનનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ હવે મંદિરના તમામ વ્યવસ્થાપન, દાનની નોંધણી, ઉત્સવોની ઉજવણી અને નિત્ય પૂજા સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે જવાબદાર સંભાળશે. મહંત પદ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી હરિગીરી બાપુ અને અન્ય સંતો વચ્ચે ચાલી રહેલા તીખા વિવાદ, સ્થળ પરની અશાંતિ અને ભક્તોની રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ આ મામલે કાયદેસર વ્યવસ્થાની માંગ સાથે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. મંદિરના ભક્તો અને સ્થાનિક નાગરિકો સરકારના આ નિર્ણયને આવકાર્ય ગણાવી રહ્યા છે. તેમના મતે, સત્તાવાર વહીવટ હેઠળ મંદિરની વ્યવસ્થાઓ વધુ પારદર્શક બનશે અને શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. દાન, ઉત્સવ ખર્ચ અને ભોજન વ્યવસ્થા સહિતની બાબતોમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, કેટલાક સાધુઓએ આ પગલાંને સરકારનો અનિચ્છનીય હસ્તક્ષેપ ગણાવ્યો છે, જ્યારે કેટલાકે શાંતિ અને ભક્તિભાવ જાળવવાના સરકારી ધ્યેયને આવકાર્યો છે. મોટાભાગના સંતો સરકારના હસ્તક્ષેપથી નારાજ જણાય છે અને તેઓ આગામી દિવસોમાં ગુરુ પરંપરાના મહંત પદ પુન: સાધુ સમાજને સોંપવામાં આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે.
- Advertisement -
આગળની કાર્યવાહી અને ભવિષ્યની દિશા
આંતરિક તંત્રના સૂત્રો મુજબ, વહીવટદાર તાત્કાલિક અસરથી ભવનાથ મંદિરમાં શાસન સંભાળી લેશે. આગામી સમયમાં મંદિર ટ્રસ્ટ બનાવવો કે નહીં તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. વહીવટદાર દ્વારા મંદિરની આવક-જાવક, સંપત્તિ અને આરતી-પૂજા સંબંધિત તમામ માહિતીઓ એકત્ર કરવા માટે એક સર્વે પણ હાથ ધરવામાં આવશે. ભવનાથ મંદિર જેવા ધાર્મિક સ્થળો જ્યાં લાખો ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે, ત્યાં આંતરિક વિવાદોથી ભક્તિ પર અસર ન થાય તે માટે સરકારની દખલગીરી એક હદે યોગ્ય ગણી શકાય. હવે જોવાનું એ રહેશે કે વહીવટદાર દ્વારા સંચાલિત આ મંદિર ભવિષ્યમાં કેટલી સંસ્થા અને ન્યાયભર્યું શાસન આપે છે અને ભક્તિ તથા વ્યવસ્થા વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવાય છે.