ત્રણ સપ્તાહની અંદર આત્મ સમર્પણ કરવા આદેશ: પ્રદીપ શર્મા 2006માં છોટા રાજનના સાથી લખન ભૈયા બોગસ એન્કાઉન્ટરના કેસમાં દોષિત જાહેર
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.20
- Advertisement -
બોમ્બે હાઇકોર્ટે મંગળવારે ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેની ખ્યાતી ધરાવતાં પ્રદીપ શર્માને 2006માં ગેંગસ્ટર છોટા રાજનના કહેવાતા નજીકના સાથીદાર રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાને બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કરવાના કેસમાં દોષિત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા સંભળાવી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરી ગોડસેની બનેલી બેન્ચે શર્માને છોડી મૂકવાના સેશન કોર્ટના 2013ના આદેશને ખોટો અને ટકી શકે નહીં તેવો જાહેર કરતાં રદ્દ કરી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું હતું કે નીચલી કોર્ટે શર્માની વિરુદ્ધના પુરતા પુરાવાઓને નજર અંદાજ કર્યા હતાં. પુરાવાઓ આ કેસમાં તેની સંડોવણીને સ્પષ્ટ રીતે સાબિત કરે છે. બેન્ચે જામીન પર બહાર રહેલાં શર્માને ત્રણ સપ્તાહની અંદર કોર્ટ સમક્ષ આત્મ સમર્પણ કરવા આદેશ કર્યો હતો. અન્ય છ આરોપીઓની દોષસિદ્ધિ અને આજીવન કારાવાસની સજાને રદ્દ કરી દઇ તેમને છોડી મૂક્યાં હતાં.
2006ની ઘટના શું હતી?
કેસની વિગત અનુસાર પોલીસે લખન ભૈયા અને તેના મિત્ર અનિલ ભેડાને વાશી સ્થિત તેના ઘરેથી કિડનેપ કર્યો હતો અને 11 નવેમ્બર, 2006ના રોજ મુંબઈમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને તેને એન્કાઉન્ટરમાં ખપાવવામાં આવી હતી. જો કે 11 ઓગસ્ટ 2008ના રોજ તપાસ બાદ મેજિસ્ટ્રેટે રિપોર્ટ આપ્યો હતો કે લખનની હત્યા સંપુર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી તે કોઇ એન્કાઉન્ટર ન હતું. 3 એપ્રિલ, 2010ના રોજ એસઆઈટીએ 22 આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું હતું જેમાં સ્પષ્ટતા કરી હતી કે લખનના પૂર્વ સાથીદાર અને રીઅલ એસ્ટેટ એજન્ટ જનાર્દન ભાંગેએ લખનને મારવા માટે શર્મા અને તેના સાથીદાર સાથે સોદો કર્યો હતો. આ કેસમાં બોગસ એન્કાઉન્ટરનો મુખ્ય સાક્ષી અને લખન ભૈયાનો મિત્ર અનિલ ભેડા પણ 13 માર્ચ, 2011ના રોજ લાપતા થઇ ગયો હતો અને લગભગ બે મહિના કરતાં વધારે સમય બાદ 30 જૂને નવી મુંબઈ પોલીસને તેનું શબ મળી આવ્યું હતું.