બન્ને વચ્ચે કોલંબોમાં રમાશે લીગ મુકાબલો: પાકિસ્તાનની ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા અનેક ખેલાડીઓ સામેલ
જો કે ભારતના સીતારાઓનો આત્મવિશ્વાસ ભરપૂર હોવાથી મેચ રોમાંચક બની રહેવાની પૂરી શક્યતા: બપોરે બે વાગ્યાથી મેચ શરૂ
- Advertisement -
એક બાજુ જ્યાં પાકિસ્તાન એશિયા કપની મેચોને લઈને નાટક કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ શ્રીલંકામાં એસીસી મેન્ચ ઈમર્જિંગ એશિયા કપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 50 ઓવરની છે અને તેમાં ભારતના ઉભરતા સીતારાઓ પોતાનું રમત કૌશલ્ય બતાવી રહ્યા છે.
યશ ઢુલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ નેપાળને નવ વિકેટે કારમો પરાજય આપ્યો છે. આ ટીમ ઈન્ડિયાની સળંગ બીજી જીત છે. આ પહેલાં ટીમે યુએઈને પણ હરાવ્યું હતું. સળંગ બે જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-બીમાંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. હવે આવતીકાલે લીગ મુકાબલામાં તેની ટક્કર કોલંબોમાં પાકિસ્તાન સામે થશે.
ભારત-નેપાળ વચ્ચેની મેચમાં નેપાળે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલાં બેટિંગ કરતા નેપાળે 39.2 ઓવરમાં 167 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 22.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત વતી અભિષેક શર્માએ 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી જે બદલ તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
પહેલાં બેટિંગ કરતાં નેપાળની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી ઓવરના બીજા જ બોલે હર્ષિત રાણાએ કુશાલ ભૂર્તેલને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ પછી આસિફ શેખ પણ ઝડપથી આઉટ થયો હતો. જોતજોતામાં નેપાળની ટીમ પત્તાના મહેલની માફક ધ્વસ્ત થઈ ગઈ હતી અને માત્ર 167 રને જ આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારત વતી બોલિંગમાં નિશાંત સંધુએ ઘાતક બોલિંગ કરતાં ચાર વિકેટ ખેડવી હતી તો રાજવર્ધન હંગરગેકરે ત્રણ અને હર્ષિતને બે તો માનવ સુથરએ એક વિકેટ મેળવી હતી.
હવે ભારતનો સામનો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પાકિસ્તાને પણ ગ્રુપ-બીમાં ભારતની જેમ પોતાની બન્ને મેચ જીતી છે. પાકિસ્તાને નેપાળને ચાર વિકેટ અને યુએઈને 184 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમમાં સીનિયર સ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા અમુક ખેલાડીઓ સામેલ છે. કેપ્ટન મોહમ્મદ હારિસ પાકિસ્તાન વતી પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે. આ ઉપરાંત સૈમ અયુબ, તૈયબ તાહિર, મોહમ્મદ વસીમ જુનિયર અને શાહનવાઝ દહાની પણ સામેલ છે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ છે.