નવા ઇમરજન્સી મેડિસીન વિભાગમાં ભીડ મળે જોવા નહીં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ અને આસપાસના જિલ્લાઓ માટે સિવિલ હોસ્પિટલ એ સારવાર માટે મહત્વનું કેન્દ્ર છે. ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર એ આશીર્વાદરૂપ છે હવે તેમાં વધુ ઉમેરો થઈ રહ્યો છે. સિવિલમાં નવું 12 માળનું બિલ્ડિંગ બની રહ્યું છે જેમાં નવો ઈમરજન્સી મેડિસિન વિભાગ ઊભો કરવામાં આવશે. રાજકોટ સિવિલમાં હાલ જે ઈમરજન્સી વિભાગ છે તેમાં કોઇપણ કેસ આવે એટલે સ્થળ પર ફરજ બજાવનાર મેડિકલ ઓફિસર તેની સારવાર કરે છે. પ્રાથમિક સારવાર આપી આ કેસ મેડિસિન વિભાગ, સર્જરી, ઓર્થોપેડિક કે પછી અન્ય કઈ ફેકલ્ટીનો છે તે નક્કી કરી જે તે વિભાગનો સંપર્ક કરે છે અને તે વિભાગના તબીબો ઈમરજન્સી વિભાગમાં આવીને પોતાનો અભિપ્રાય આપે છે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં ઈમરજન્સીમાં આવ્યા બાદ દર્દી 3-3 દિવસ સુધી તે જ વોર્ડમાં રહે છે. ઈમરજન્સી મેડિસિન વિભાગ આ આખી પ્રક્રિયા જ બદલી નાખશે. તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર ઈમરજન્સી મેડિસિન વિભાગ નવો શરૂ કરવામાં આવશે અને આ વિભાગના વડાની પણ નિયુક્તિ થશે.