લોકસભા ચૂંટણી પૂરી થતાં જ દેશમાં ઈવીએમ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું
ભારતે સુરક્ષિત ઈવીએમ બનાવ્યા, કોઈ કનેક્ટિવિટી કે નેટવર્ક સાથે જોડાણ નહીં, મસ્કને ટયુટોરિયલ આપી શકીએ : રાજીવ ચંદ્રશેખર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપ સ્પષ્ટ બહુમતથી ઘણો દૂર રહ્યો છે અને કોંગ્રેસ ફરી બેઠી થતાં વિપક્ષ મજબૂત બન્યો છે. આવા સમયે હવે ઈવીએમનો મુદ્દો નહીં ઊઠે તેમ લાગતું હતું. બીજીબાજુ અમેરિકામાં પ્રમુખપદના દાવેદાર રોબર્ટ કેનેડીએ પ્યુઅર્ટો રિકોમાં ઈવીએમમાં ગડબડી અંગે ટ્વીટ કરી. તેમની આ ટ્વીટને રી-ટ્વીટ કરતાં દુનિયાના સૌથી ધનિકોમાંના એક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સના માલિક ઈલોન મસ્કે દાવો કર્યો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ઈવીએમ હેક થઈ શકે છે, તેને હટાવવા જોઈએ. મસ્કની ટ્વીટ સાથે જ ભારતમાં ઈવીએમનો મુદ્દો ફરી એક વખત રાજકારણના કેન્દ્રમાં આવી ગયો છે અને વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી તેમજ અખિલેશ યાદવે ઈવીએમનો વિવાદ ઉઠાવ્યો હતો.
ભારતમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. જોકે, દુનિયાના સૌથી શક્તિશાળી લોકતંત્ર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ચાલી રહી છે. આવા સમયે અમેરિકન પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડીની ટ્વીટને શેર કરતાં ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ ખતમ કરી દેવો જોઈએ. માણસ અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી ઈવીએમના હેક થવાનું જોખમ છે, તે ભલે ઓછું હોય, પરંતુ છે ખરું.
ઈલોન મસ્કે આ ટ્વીટ કરવાની સાથે જ ભારતમાં ફરી એક વખત ઈવીએમ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ફરી એક વખત વિપક્ષના ઈન્ડિયા ગઠબંધને ઈવીએમ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ઈલોન મસ્કની ટ્વીટને શેર કરતા જણાવ્યું કે, ભારતમાં ઈવીએમ ’બ્લેક બોક્સ’ છે અને કોઈને પણ તેની તપાસ કરવાની મંજૂરી નથી.
અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે. સંસ્થાઓમાં જવાબદારીની ઉણપ હોય તો લોકતંત્ર એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.
- Advertisement -
રાહુલ ગાંધીની સાથે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે પણ રવિવારે ઈવીએમ પર તેમનો જૂનો રાગ આલાપવાનું શરૂૂ કરી દીધું. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ’ટેક્નોલોજી’ સમસ્યાઓને દૂર કરવા માટે હોય છે, પરંતુ એ જ મુશ્કેલીઓનું કારણ બની જાય તો તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કહેવાય છે કે આજે વિશ્ર્વની અનેક ચૂંટણીઓમાં ઈવીએમ અંગે ગડબડીની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે અને દુનિયાના જાણિતા ટેક્નોલોજી નિષ્ણાતો ઈવીએમમાં હેરાફેરીના જોખમ અંગે ખુલ્લેઆમ લખી રહ્યા છે તો ઈવીએમના ઉપયોગની જીદ પાછળનું કારણ શું છે, એ ભાજપાઈઓએ જણાવવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, આગામી બધી જ ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની અમે ફરી માગ કરીએ છીએ.
ઈવીએમ મુદ્દે વિપક્ષના આક્ષેપો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઈવીએમના બચાવમાં આગળ આવ્યા હતા.
પાછલી મોદી સરકારમાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયમાં રાજ્યમંત્રી રહી ચૂકેલા ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે રવિવારે ઈવીએમનો ઉપયોગ ખતમ કરવાના નિવેદનનો જોરદાર જવાબ આપ્યો હતો અને મસ્કના દાવાને ’જનરલાઈઝેશન’ ગણાવ્યો હતો. તેમણે મસ્ક સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર બનાવવાની સંભાવનાઓને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હોવાનું પણ કહ્યું હતું.
તેમણે એક્સ પર લખ્યું, આ ખૂબ જ વ્યાપક જનરલાઈઝ સ્ટેટમેન્ટ છે કે કોઈપણ સિક્યોર ડિજિટલ હાર્ડવેર બનાવી શકતું નથી. તે ખોટું છે. મસ્કની ચિંતાઓ એવા દેશો પર લાગુ થઈ શકે છે, જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથેના માપદંડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વોટિંગ મશીન બનાવાય છે. પરંતુ આ બાબત ભારત પર લાગુ પડતી નથી. ભારતીય ઈવીએમ કસ્ટમાઈઝ ડિઝાઈન કરાયા છે. તે સુરક્ષિત અને કોઈપણ નેટવર્ક અથવા મીડિયાથી અલગ છે – કોઈ કનેક્ટિવિટી નહીં, કોઈ બ્લુટૂથ નહીં, વાઈફાઈ, ઈન્ટરનેટ નહીં. એટલે કે કોઈ રસ્તો નથી. ફેક્ટરી પ્રોગ્રામ કરાયેલા નિયંત્રક જેમને ફરીથી પ્રોગ્રામ કરી શકાતા નથી. રાજીવ ચંદ્રશેખરે સુરક્ષિત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને યોગ્ય રીતે ડિઝાઈન અને બનાવવાની રીત અંગે એક ટયુટોરિયલ આપવાની પણ મસ્ક સમક્ષ રજૂઆત કરી હતી.